માળિયાઃ માળિયા તાલુકાનાં બુધેચા ગામે નદીમાંથી માટી કાઢવાની કામગીરી તાજેતરમાં થઇ રહી હતી. એ સમયે આશરે ૨૦૦ કિલોના વજનવાળી બે મૂર્તિઓ મળી આવી હતી. જેમાં એક શિવ દરબાર અને બીજી માતાજીની મૂર્તિ હોવાનું દેખાતાં લાગી આવ્યું હતું.
જોકે મૂર્તિ મળવાની સાથે ગામનાં સરપંચ હરિભાઇ બારડે આ અંગે મામલતદારને જાણ કરતાં તેઓ સ્થળ પર આવી ગયા હતાં. સાથે ચોરવાડનાં પીએસઆઇ લાલકા પણ સ્ટાફ સાથે મળેલ મૂર્તિની જગ્યાએ આવી ગયા હતાં અને પંચરોજકામ કરી હાલ આ બંને મૂર્તિઓને ટ્રેઝરી કચેરીનાં સ્ટોંગરૂમમાં રાખવામાં આવી છે. મૂર્તિ મળવાની વાત ગામમાં પ્રસરી જતાં લોકો ભેગા થઇ ગયા હતાં અને મહાદેવ મંદિરનાં પુજારી દ્વારા પૂજા-અર્ચના કરવામાં આવી હતી. આ મળી આવેલી મૂર્તિઓ અંગે પુરાતત્ત્વ વિભાગ દ્વારા વધુ રિસર્ચ કરવાનું નક્કી કરાયું છે.