ગોંડલઃ ભગવતપરામાં સરકારી દવાખાનાના ચોકમાં કોળી સમાજના માંધાતાની પ્રતિમા મૂકવાનું આયોજન કરાયું છે. આ પ્રતિમાના સ્ટેન્ડ પર ૨૪મી મેએ સવારે અપશબ્દો લખેલા સ્ટીકર લગાવવામાં આવ્યા હતાં. આ અપશબ્દોવાળા સ્ટીકરના કારણે કોળી સમાજમાં ઉગ્ર રોષની લાગણી ફેલાઇ હતી અને એ ચોકમાં લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતાં.
સ્ટીકર અંગેની તપાસમાં કોળી સમાજના જ રણજીત ગીરધરભાઇ મકવાણા અને દિલીપ ગોરધનભાઈ બાવળિયા દ્વારા સ્ટીકર લગાડવામાં આવ્યાનું બહાર આવતાં બન્ને યુવાનોને ટોળાએ ઝડપી પાડ્યા હતા. આ બન્નેના કપડાં ઉતરાવીને અર્ધનગ્ન હાલતમાં માત્ર અંડરવેર પહેરેલી હાલતમાં એ બન્ને મારતાં મારતાં સરઘસ કાઢવામાં આવ્યું હતું અને પ્રતિમાના સ્ટેન્ડ પાસે લઇ જઈને અપશબ્દો લખેલા સ્ટીકર ઉખેડવામાં આવ્યા હતાં.
આ બનાવની જાણ થતાં કોળી સમાજના આગેવાન ભુપતભાઇ ડાભી સહિતના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતાં અને ટોળાના હાથમાંથી એ બન્ને યુવાનને છોડાવીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયા હતાં. બન્ને યુવાનને હોસ્પિટલમાં ખસેડાયા બાદ પોલીસને જાણ થઇ હતી.