દ્વારકાઃ દ્વારકાના દરિયામાં વ્હેલ શાર્ક માછલીઓ પણ ક્યારેક દેખા દે છે. ૧૬મી એપ્રિલે સવારે મરિન કમાન્ડો અને એસઆરડી ટીમ રૂટીન પેટ્રોલિંગમાં હતી ત્યારે બેટ દ્વારકાના ખાડી વિસ્તારમાં વ્હેલ શાર્ક માછલીનો મૃતદેહ પાણીમાં તરતો જોવા મળ્યો હતો.
ફોરેસ્ટ વિભાગે ૫.૭૬ મીટર લાંબી અને ૨૦૦૦ કિલો વજન ધરાવતી વ્હેલ શાર્કના મૃતદેહનો હવાલો સંભાળી પીએમ માટેની કાર્યવાહી હાથ ધરી હતી. વ્હેલ શાર્કનો મૃતદેહ તરતો દેખાતાં મરિન કમાન્ડોએ તાત્કાલિક ફોરેસ્ટના અધિકારીઓને આ બાબતની જાણ કરી હતી. જાણ થતાંની સાથે ફોરેસ્ટ ટીમના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતાં અને મૃત વ્હેલના મૃતદેહને ઓખા કોસ્ટગાર્ડની કુમકુમ જેટી નજીકથી ક્રેઇનની મદદથી દરિયામાંથી બહાર કાઢી પીએમ માટે ખસેડ્યો હતો. વ્હેલ માછલીનું પીએમ કરાવતા અંદરથી જીંગો (એક જાતનું દરિયાઇ જીવ) નીકળ્યું હતું. જેથી મોત પાછળનું કારણ સ્પષ્ટ થયું છે કે, શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં જીંગાને ગળી જતા શ્વાસ રૂંધાઇ જવાથી મોત નિપજ્યું હતું.
દર વર્ષે વેરાવળમાં વ્હેલશાર્ક-ડેની ઉજવણી થાય છે. વર્ષ ૨૦૦૦માં મોરારિબાપુના અધ્યક્ષસ્થાને વ્હેલ શાર્ક-ડેની ઉજવણી થઈ હતી. તે સમયે મોરારિબાપુએ વ્હેલ શાર્ક માટે વ્હાલી દીકરી શબ્દ વાપર્યો હતો. કારણ કે દીકરી પ્રસૂતિ માટે પિયર આવે છે તેમ વ્હેલ માછલી ઇંડા મૂકવા સૌરાષ્ટ્રના દરિયા કિનારે આવે છે. આથી વ્હેલ શાર્ક માછલીને મોરારિબાપુએ દીકરીનું બિરૂદ આપ્યું હતું. માછીમારો પણ દીકરી ગણીને આ માછલીનું મારણ કરતા નથી.