ગાંધીનગર: રાજ્ય સરકારે ગુજરાતના ધાર્મિક, ઐતિહાસિક અને પૈારાણિક યાત્રાધામોમાં પ્રવાસીઓને વિવિધ પ્રકારે સુવિધા મળી રહે તે માટે બજેટમાં રૂ.૧૪૭ કરોડની જોગવાઇ કરી છે. રાજ્ય સરકારે બેટ દ્વારકામાં કૃષ્ણલીલા તાદશ કરતું મ્યુઝિયમ બનાવવા રૂ. ૧ કરોડની ફાળવણી કરી છે. આ ઉપરાંત યાત્રાધામોમાં સ્વચ્છતા જળવાઇ રહે તે માટે રૂ. ૧૭ કરોડની જોગવાઇ કરાઈ છે. ગુજરાતમાં છ મહત્ત્વના યાત્રાધામો અને અન્ય મંદિરોના વિકાસ માટે સરકારે રૂ. ૩૦ કરોડની જોગવાઇ કરી છે. સુરત જિલ્લામાં મહુવા તાલુકામાં આદિવાસીઓના આસ્થાના સ્થાન અનાવલ, કાવેરો-કાવેરી અને સરસ્વતી નદીના ત્રિવેણી સંગમમાં વિવિધ સુવિધાઓના કામ માટે રૂ. ૧૦ કરોડ ફાળવવામાં આવ્યાં છે.
બેટ દ્વારકા અને ઓખાને જોડતા અરબી સમુદ્ર પર ૪.૫ કિમી લાંબો ચાર માર્ગીય સિગ્નેચર બ્રિજની કામગીરી રૂ. ૯૬૨ કરોડના ખર્ચે પ્રગતિમાં છે. આ ઉપરાંત ‘ઉડાન’ યોજના હેઠળ નાના શહેરોને પણ એર કનેક્ટિવિટીથી જોડાશે. સોમનાથ અને દ્વારકાની એક જ દિવસમાં મુલાકાત કરી શકાય તે માટે વિમાની સેવા શરૂ કરવાની વિચારણા છે. આ કાર્ય માટે સરકારે રૂ .૧ કરોડની ફાળવણી કરી છે.