દ્વારકા: રવિવારે સવારે ૧૧ વાગ્યે ઓખાથી બેટ જતી બોટ દરિયામાં ડૂબી હતી. સદનસીબે અન્ય બોટના સહારે ૧૨૦ જેટલા યાત્રિકોનો બચાવ થયો હતો. ઓખા મેરીટાઇમ બોર્ડ દ્વારા બોટની લંબાઈ તેમજ પહોળાઈ અને ઉંડાઈ તેમજ બોટના એન્જીનની કેપેસિટીની તપાસ કર્યા બાદ જ ઓખા બેટ દ્વારકા વચ્ચે ચલાવવાની મંજૂરી હોય. વધુ યાત્રિકોને બેસાડાય તો બોટમાલિકા સામે કાર્યવાહી થાય. છતાં કેટલાક બોટમાલિકો વધુ યાત્રિકોની સવારી લે છે. રવિવારે સવારે ૧૧ વાગ્યે અલ-જાવેદ નામની બોટમાં ૮૦ યાત્રિકોની જ ક્ષમતા હોવા છતાં ૧૨૦ યાત્રાળુઓને બેસાડીને બોટ રવાના થઈ હતી. બોટની ક્ષમતા બહાર યાત્રિકોને ખીચ્ચોખીચ બેસાડી દેતા બોટના એન્જીન પર વધુ પડતું દબાણ આવ્યું હતું. જેથી બોટમાં એન્જીનના ભાગમાંથી બોટમાં દરિયાનું પાણી ધીમે ધીમે ભરાઈ જતા બોટ ડૂબવા લાગી હતી. બોટ ડૂબવાની સાથે યાત્રાળુઓ બૂમાબૂમ કરતા હતા, પરંતુ સદનસીબે બેટ દ્વારકાની જેટી પરની અન્ય ખાલી બોટો સમયસર આવી પહોંચતા બોટમાં બેસેલા ૧૨૦ જેટલા યાત્રિકોને બચાવી લેવાયા હતા અને મોટી જાનહાનિ ટળી હતી.