જૂનાગઢઃ મંહત ગોપાલાનંદજી બ્રહ્મલીન થતા તેમની આજીવન સેવામાં જોડાયેલા બિલખાના વિપ્ર પરિવારને ૧૯મીએ ભંડારાના અવસરે અગ્નિ અખાડાના વરિષ્ઠ સંતો દ્વારા કદરરૂપે ૪૬ વિઘા જમીન, રહેણાંક મકાન અને કાર ભેટમાં અર્પણ કરી સન્માનિત કરાયા હતા. બિલખાના રાવતેશ્વર ધર્માલયમાં ગોપાલાનંદજી બાપુનો ભંડારો યોજાયો હતો. તેમાં દેશભરમાંથી સાધુ-સંતો બહોળી સંખ્યામાં જોડાયા હતા.
આ સમયે આસપાસનાં ૨૧ ગામો ધુમાડા બંધ રહ્યાં હતાં. ઉત્તર પ્રદેશમાં જન્મેલા અને તરુણવયે સન્યાસ લઈ સન ૧૯૨૪માં જૂનાગઢના બિલખામાં આવ્યા હતા. દીક્ષા અંગીકાર કરી બિલખાના રાવતેશ્વરમાં સ્થાયી થઈ કર્મભૂમિ બનાવી બનાવી હતી. ત્યારે બિલખાના વિનુભાઈ રાવલ અને તેમનો પરિવાર બાપુની સેવામાં ૧૯૨૪થી જોડાયો હતો. તેમના પુત્રો સંજયભાઈ, મુન્નાભાઈ અને ઘોઘાબાઈ તથા પરિવારજનો રાવતેશ્વર ધર્માલયનો સમગ્ર વહીવટ સંભાળી બાપુની આજીવન સેવારત રહ્યા હતા.
મહંત ગોપાલાનંદજીની ઉંમરના કારણે તબિયત દિવસે ને દિવસે લથડતી જતી હતી જેના કારણે તેઓ પથારીમાં પટકાયા ત્યારે તેમની આજીવન સેવા કરનાર વિનુભાઈ રાવલના પરિવારની કદરરૂપે આજીવિકા માટે જમીન, મકાન અને કાર આ પરિવારને અર્પણ કરવાની ઇચ્છા તેમણે અંગતો તેમ જ સ્વજનો સમક્ષ વ્યક્ત કરી હતી. તાજેતરમાં યોજાયેલી ધર્મસભામાં સંતો મહંતોએ ગોપાલાનંદજી મહારાજની કોઈપણ સ્થાવર કે જંગમ મિલકત ન વેચવા અને બાપુની ઇચ્છા મુજબ બિલખાના વિપ્ર પરિવારને જમીન, મકાન અને કાર ભેટમાં અર્પણ કર્યા હતા.