રાજકોટ: સમસ્ત બ્રહ્મસમાજ રાજકોટ દર વર્ષે સમૂહ જનોઇ અને લગ્ન કરે છે, પરંતુ આ વખતે કોરોનાની મહામારીને ધ્યાને રાખીને એક વર્ષ સુધી આ પ્રકારના સમૂહ આયોજનો અને મેળાવડા ન કરવાનો નિર્ણય લીધો છે. લોકડાઉન ખુલ્યા પછી સમાજના પ્રસંગોમાં માણસોની ભીડ ભેગી ન થાય અને ખર્ચ પણ બચી જાય તે માટે સમસ્ત બ્રહ્મસમાજ રાજકોટે આવું નક્કી કર્યું છે. આ ઉપરાંત લોકડાઉન ખુલ્યા પછી જે પરિવારમાં લગ્ન પ્રસંગો હશે તેઓને અપીલ કરશે કે, મોટી સંખ્યામાં મહેમાનને બોલાવવા કરતા મર્યાદિત સંખ્યામાં સાદાઇથી લગ્ન કરે અને તેનો જે ખર્ચ બચે તે કોરોનાગ્રસ્ત દર્દીની સારવાર કે તેના પરિવારજનોને આપવામાં આવે. આ ઉપરાંત દરેક પ્રસંગોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઇ તેની ખાસ તકેદારી રાખવામાં આવશે. લોકડાઉનને કારણે જે લગ્ન રદ થતા કર્મકાંડી બ્રાહ્મણોની રોજીરોટી પર અસર થઇ છે. તેઓને સહાય મળી રહે તે માટે સરકારમાં રજૂઆત પણ કરવામાં આવશે.
સરદાર ધામના તેજસ્વિની ગ્રૂપના કન્વીનર શર્મિલાબહેન બાંભણિયા પાટીદાર સમાજ માટે કહે છે કે, પાટીદાર સમાજ લોકડાઉન ખૂલ્યા પછી તમામ પ્રસંગોમાં તકેદારી રાખશે. જરૂર પડ્યે આર્ય સમાજથી પણ લગ્નનું આયોજન કરવામાં આવશે. પાટીદાર સમાજ દરેક મુશ્કેલીમાં હિંમતથી સામનો કર્યો છે અને આ બીમારીમાં પણ હિંમતથી કામ લેશે.
ચાતુર્માસ જ્યાં છે ત્યાં જ રહીને કરાશે
રોયલ પાર્ક જૈન ઉપાશ્રયના પ્રમુખ ચંદ્રકાન્તભાઈ શેઠ કહે છે કે સરકાર જે નિયમો જાહેર કરે તે તમામનું પાલન કરવામાં આવશે. આ ઉપરાંત હાલ દરેક ને સૂચના આપી દેવામાં આવી છે કે જ્યાં હોય ત્યાંથી જ ચાર્તુમાસ કરો. ૩૦ મે પછી બધા નિયમો જાહેર કરવામાં આવશે.