જૂનાગઢઃ તાલુકાના જામકામાં થતાં ગીર ગાય સંવર્ધન કેન્દ્રની મુલાકાત માટે ૧૯મીએ બ્રાઝીલથી બે પશુ વૈજ્ઞાનિક આવ્યા હતા. તેઓએ જામકા જતા પૂર્વ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી અને જણાવ્યું હતું કે, બ્રાઝીલમાં સરકાર ગૌસંવર્ધન માટે વધુ પ્રોત્સાહન આપે છે. બ્રાઝીલની ગાય અને ગીર ગાય સમાન છે. માત્ર વ્યવસ્થાપનમાં ફરક છે. જામકામાં રહેતા અને ગીર ગાયનું સંવર્ધન કરતાં પરસોત્તમભાઈ સિદપરાના ફાર્મમાં બ્રાઝીલના પશુ વૈજ્ઞાનિક ડો. જ્યોર્જ ઓટાલિયો લે મોસ અને ટેકનોલોજી નિષ્ણાત ડો. ફર્નાડો આવ્યા હતા. જામકા જતાં પૂર્વ બંને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી. કૃષિ યુનિ.ના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, બ્રાઝીલમાં સરકાર ગૌ સંવર્ધન માટે ખૂબ પ્રોત્સાહન આપે છે. ત્યાં ગાયના દૂધના ઉત્પાદન માટે યોગ્ય સંવર્ધન થાય છે. બ્રાઝીલની ગાય અને ગીર ગાય મોટાભાગની બાબતોમાં સમાન છે. માત્ર વ્યવસ્થાપનમાં ફરક છે.
મહારાજા કૃષ્ણકુમાર દ્વારા અપાયેલો ખૂંટ!
ઉલ્લેખનીય છે કે ભાવનગરના મહારાજ કૃષ્ણ કુમારસિંહજીએ બ્રાઝીલને એક ખૂંટ આપ્યો હતો. આ બળદના મોત બાદ તેમાં દવા ભરીને બ્રાઝીલના મ્યુઝિયમમાં રખાયો હોવાનું જણાય છે. ત્યાંના એક રસ્તાનું નામ પણ મહારાજા કૃષ્ણકુમારસિંહજી માર્ગ છે.