પાટડીઃ આઝાદી પહેલા ખારાઘોડામાં બ્રિટિશ હકૂમત સમયે ઈ.સ. ૧૮૭૨માં અંગ્રેજોએ મીઠું પકવવાની શરૂઆત કરી હતી. એ સમયે અંગ્રેજોએ ૬૫૦ લાઇનબધ્ધ મકાનો સાથેનું એક આખુ "ખારાઘોડા-નવાગામ' વસાવ્યું હતુ. આ મકાનોમાં પ્રથમ લાકડાના માળખા બનાવી લોખંડની ગડરો ગોઠવી બાદમાં દિવાલ બનાવવામાં આવેલી હોવાથી ૨૦૦૧ માં આવેલા વિનાશક ભૂંકપમાં આ ૬૫૦ મકાનોની કાંકરી પણ ખરી નહોતી. ઉપરાંત છતમાં બારીને લીધે ૪૮ ડિગ્રી તાપમાનમાં પણ એર કન્ડિશનર જેવી ઠંડક મળે છે. ખારાઘોડામાં અંગ્રેજો દ્વારા મીઠા પર ટેક્સ વસૂલાતો હતો અને એ ટેક્ષની રકમમાંથી અંગ્રેજોનું ત્રીજા ભાગનું સંરક્ષણ બજેટ પૂરું પાડવામાં આવતું હતું. અંદાજે ૧૫૦ વર્ષ અગાઉ વસાવાયેલા ખારાઘોડા-નવાગામમાં સાત ભવ્ય બંગલા પણ હતા. ગામમાં પ્રવેશતા ડાબી બાજુ એક ભવ્ય વિલ્સન હોલ આવેલો છે. જ્યાં બ્રિટિશ હકૂમત સમયે અંગ્રેજ અમલદારોની મીટિંગ યોજાતી હતી.
૧૮૮૦માં કસ્ટમનું મકાન પણ બનાવ્યું હતું
બ્રિટિશ હકૂમત સમયે ખારાઘોડા-નવાગામમાં કસ્ટમની ભવ્ય બિલ્ડિંગ હતી. જેના પર આજે પણ સને ૧૮૮૦ લખેલું સ્પષ્ટ વંચાય છે. અંગ્રેજોની વિદાય થતાં કસ્ટમ વિભાગમાંથી સોલ્ટ ડિપાર્ટમેન્ટ અલગ પડ્યું હતુ. ત્યારબાદ કેન્દ્ર સરકાર દ્વારા ખારાઘોડા ખાતે હિંદુસ્તાન સોલ્ટ લિ.ની સ્થાપના કરી હતી.
મકાનોનું ભાડું મહિને માત્ર ૭૫ પૈસા જ હતું
૧૯૪૭માં દેશ આઝાદ થતાં ભારત સરકારે ખારાઘોડામાં હિંદુસ્તાન સોલ્ટ લિ.ની સ્થાપના કરી હતી. ત્યારબાદ આ મકાનોમાં કંપનીના અધિકારીઓ, કર્મચારીઓ અને મજૂર કામદારો તથા અગરિયાઓ વસવાટ કરતા હતા. એ સમયે ત્રીજા દરજ્જાના મકાનોનું ભાડું ૭૫ પૈસા, બીજા દરજ્જાના મકાનોનું ભાડું રૂ.૧.૨૫ અને પ્રથમ દરજ્જાના બંગલાનું ભાડું રૂ.૩ હતું.