દીવ: બ્રિટને જ્યારથી યુરોપિયન સંઘમાંથી બહાર નીકળવાનું જાહેર કર્યુ છે ત્યારથી દમણ-દીવના હજારો લોકો અસમંજસમાં છે. ૧૫ હજારથી વધુ લોકો કે જેઓ પોર્ટુગીઝ પાસપોર્ટ પર બ્રિટનમાં સ્થાયી થવા માટેની દસ્તાવેજી કાર્યવાહી કરી રહ્યા છે તેઓનાં સપનાં રોળાયાં છે.
બ્રિટનના યુરોપિયન સંઘથી છેડો ફાડી નાંખવાની પ્રક્રિયા પૂર્ણ થતાં બે વર્ષનો સમય લાગશે, પણ બ્રિટનમાં પોર્ટુગીઝ પાસપોર્ટ પર વસતા લોકોના ભવિષ્યનું શું? તેને લઈને દમણ અને દીવના લોકોમાં ચિંતા છે. ૧૯૪૭માં ભારત બ્રિટીશ શાસનમાંથી મુક્ત થયું, પણ દમણ-દીવ અને ગોવાને છેક ૧૯૬૧માં આઝાદી મળી હતી. કરાર મુજબ દીવ-દમણ ટેરેટરીમાં વર્ષ ૧૯૬૧ પહેલાં જન્મેલા નાગરિકને પોર્ટુગીઝ ગણાય છે. તેના આધારે દમણ-દીવના લોકોએ પોર્ટુગીઝ પાસપોર્ટ બનાવીને બ્રિટનમાં સ્થાયી થવાની શરૂઆત કરી હતી. જોતજોતામાં પોર્ટુગીઝ પાસપોર્ટના આધારે દમણ-દીવના ૪૦ હજારથી વધુ લોકો બ્રિટનમાં સ્થાયી થયા છે. બ્રિટન ઈયુમાંથી અલગ થશે તો આ લોકોનું શું? તે ચિંતા તેમને સતાવે છે.