તલગાજરડા: મોરારિબાપુના પિતા પ્રભુદાસબાપુની 36મી પુણ્યતિથિ નિમિત્તે છેલ્લા 17 વર્ષથી આયોજિત થતો સંતવાણી એવોર્ડ સમારંભ ચિત્રકૂટધામ તલગાજરડામાં ગયા રવિવારે યોજાયો હતો.
એવોર્ડ સમારોહમાં મોરારિબાપુએ દિક્ષાંત પ્રવચનમાં જણાવ્યું હતું કે ભજન એ આપણા સૌનો આહાર છે. જે આહારના સ્વરૂપોને આપણે તત્વજ્ઞાનની રીતે અલગ અલગ સ્વરૂપે જોઈ શકીએ. બાપુએ આપણાં ભોજનમાં અલગ અલગ વ્યંજનોને ભજનની સાથે જોડીને ઉદાહરણ સાથે સૌને હાડોહાડ ઉતરી જાય તેવી વાત મુકી હતી. બાપુએ વધુમાં જણાવ્યું હતું કે ભજનનું એક સ્વરૂપ એ રોટલો છે તેથી ‘અન્ને બ્રહ્મતી વેદાના’ એમ કહેવાયું છે. ભજન શુકનનું પણ પ્રતીક છે. ભજનિકની જીભે સરસ્વતી છે અને જીભ એ અગ્નિનું રૂપ છે. ભજન ભ્રમ અને ભય ભાંગે છે અને આપણી ભ્રાંતિમાંથી તે શાંતિ તરફ લઈ જાય છે. ભજન કરતાં કરતાં સૌ સાધુત્વ તરફ પ્રયાણ કરે છે. આ પ્રસંગે સર્જક વંદનામાં સ્વ. ધીરા ભગતને સર્જક એવોર્ડ અર્પણ થયો. તેના પ્રતિનિધિ ગોઠડા વડોદરાના નારાયણભાઈ રબારીએ તે સ્વીકાર્યો હતો. ગાયકી માટે રામદાસ ગોંડલીયાને, તબલા સંગત માટે ભુપત પેન્ટરને, વાદ્ય સંગત માટે બેન્જોવાદક ચંદુભાઈ ડાભીને અને મંજીરાવાદક તરીકે ગોંસાઈ વિજયકુમારને એવોર્ડ અર્પણ કરીને વંદના કરાઇ હતી. જેમાં પ્રશસ્તિપત્ર, સૂત્રમાલા, શાલ અને રોકડ પુરસ્કારનો સમાવેશ થાય છે.
પ્રારંભે પ્રા. (ડો.) દિનુભાઈ ચુડાસમા સંપાદિત પુસ્તક ‘શબ્દની નવા મૌનના ઘાટે’નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સંપાદક દિનુભાઈએ પ્રાસંગિક પ્રસ્તુતિ કરી હતી. કાર્યક્રમનું સંચાલન હરિશ્ચંદ્ર જોષીએ કર્યું હતું. આયોજન વ્યવસ્થામાં જયદેવ માંકડ જોડાયા હતા. સંતવાણીમાં અનેક ભજનિકો પોતાની વાણી પીરસી હતી.