ભાવનગરઃ તાલિબાને કાબુલમાં પ્રવેશ કરતાં ભારતે તેના નાગરિકોની વાપસીની કામગીરી શરૂ કરી. ભારત સરકારે સ્પેશિયલ ફ્લાઈટ મોકલીને અફઘાનિસ્તાનમાં અટવાયેલા સેંકડો ભારતીયોને બચાવ્યા હતા.
ગુજરાતના ભાવનગરના યુવાન શિવાંગ દવે કાબુલથી ભારત પાછા ફર્યા અને તેમણે રાહતનો શ્વાસ લીધો હતો. તેઓ છેલ્લાં ૧૨ વર્ષથી અફઘાનિસ્તાનમાં પ્રાઈવેટ કંપનીમાં એન્જિનિયર તરીકે કામ કરતા હતા. તેઓ ગુજરાતના જાણીતા કવિ હરિન્દ્ર દવેના પૌત્ર છે.
ગુજરાત સમાચાર/એશિયન વોઈસ સાથેની વાતચીતમાં શિવાંગે પોતાનો અનુભવ વર્ણવતા કહ્યું, ' મારી નજર સામે જ ઘણું બધું થઈ ગયું. મેં માત્ર ૪૦ – ૫૦ મીટરના અંતરે ધડાકા અને હુમલા જોયા છે. ત્યાં રહેતા લોકો માટે આમ તો ચૂંટણી દરમિયાન થતાં બોમ્બ વિસ્ફોટ સામાન્ય હોય છે.
મેં કાબુલ છોડવાનો પ્રયાસ કર્યો ત્યારે હું પોતાના જીવ માટે ગભરાયેલો હતો.' તેમણે ઉમેર્યું,' કાબુલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર તાલિબાને કબજો જમાવ્યો હતો. હું ત્યાં સુધી જતાં ગભરાઈ ગયો હતો. શરૂઆતમાં મને ઈમિગ્રેશનની થોડીક સમસ્યા નડી. સદનસીબે તેમણે એર ઈન્ડિયાની ફ્લાઈટને ઉતરાણની અને પેસેન્જરોને કાબુલથી લઈ જવાની પરવાનગી આપી. ફ્લાઈટે ટેકઓફ કર્યું ત્યાં સુધી મારો જીવ અદ્ધર હતો. સતત થતાં વિસ્ફોટોને લીધે કશુંક અઘટીત બનશે તેવી મને દહેશત હતી.'