રાજકોટ: રાજકોટ-૬૮ (પૂર્વ) વિધાનસભામાંથી પહેલી વાર ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા અને મહાપાલિકાના શાસકપક્ષના નેતા કોર્પોરેટર અરવિંદ રૈયાણીની વેપારી પર હુમલો કરવાના અને લોકપ્રતિનિધિત્વ ધારાના ભંગ બદલ એમ એક સાથે બે ગુનામાં બી ડિવિઝન પોલીસે ધરપકડ કરીને બન્ને ગુનામાં પોલીસે તેમને તુરંત જામીન પર છોડી પણ દીધા છે.
બ્રાહ્મણિયાપરામાં ગૌતમ લિંબાસિયા અને કેટલાક ઉપર તેમની દુકાનમાં ધસી જઈને કોંગ્રેસનો પ્રચાર કેમ કરો છો? કહીને તેમને માર મારીને હુમલો કરવા અંગે અરવિંદ ગોરધનભાઈ રૈયાણી (૪૬), શૈલેષ બાબુભાઈ રૈયાણી (૩૭) અને ગોરધનભાઈ મનજીભાઈ રૈયાણી (૬૫) વિરુદ્ધ ગુનો નોંધાયો હતો જેમાં આ ત્રણેયની પોલીસે ૧૩મી જાન્યુઆરીએ ધરપકડ કર્યાનું જણાવ્યું હતું.
પોલીસ રેકોર્ડ મુજબ આ ઉપરાંત ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણી સામે મતદાનના દિવસે ભાજપનો ખેંસ પહેરીને બુથ સુધી પહોંચી જઈ પ્રચાર કરવા બદલ લોકપ્રતિનિધિત્વ ધારા-૧૯૫૧ની ક.૧૩૦ મૂજબ ગુનો નોંધાયો હતો તેમાં પણ આ ધારાસભ્યની રાત્રિના ૮.૩૦ વાગ્યે ધરપકડ કર્યાનું પોલીસે જાહેર કર્યું છે.
આમ, અર્ધી કલાકના સમયમાં પોલીસે ધારાસભ્ય અરવિંદ રૈયાણીની બે ગુનામાં ઉપરાઉપરી ધરપકડ કરીને ઉપરાઉપરી જામીન પર પણ મુક્ત કરી દીધા હતા ત્યારે આવી 'સવલત' આમ નાગરિકને પોલીસ આપે છે કે કેમ તે સવાલ ઉઠયા છે.