રાજકોટઃ વર્ષ ૨૦૦૪માં ચકચારભર્યા નિલેશ રૈયાણી ખૂન કેસમાં હાઇ કોર્ટે ભાજપના ગોંડલના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને તથા બે સાગરિતો અમરજિતસિંહ અને મહેન્દ્રસિંહ રાણાને દોષિત ઠરાવી આજીવન કેદની સજા ફરમાવી છે. જોકે એક આરોપી સમીર પઠાણને દોષિત ઠરાવીને કરેલી સજા સામેની અપીલમાં હાઇ કોર્ટે રાજકોટ ફાસ્ટ ટ્રેક કોર્ટના ચુકાદાને પલટાવી નાંખ્યો છે અને સમીર પઠાણને નિર્દોષ જાહેર કર્યો છે. હાઈ કોર્ટનું ફરમાન છે કે, દોષિત ત્રણેય આરોપીઓને ૩૦મી સપ્ટેમ્બર સુધીમાં જેલમાં મોકલી અપાય. જોકે આ ચુકાદા સામે આરોપીઓ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકે છે.
ભાજપના ધારાસભ્ય જયરાજસિંહને સજા ફરમાવતો હાઇ કોર્ટનો આ ચુકાદો અભૂતપૂર્વ ઘટના છે જેની રાજકારણ પર પણ ઘેરી અસર સર્જાશે. આ કેસમાં સજા પામલા મહેન્દ્રસિંહ રાણા પૂર્વ ક્રિકેટર છે. ૧૯ વર્ષથી નીચેની વયના ક્રિકેટ મેચમાં ક્રિકેટર તરીકે રમી ચૂક્યા છે. આરોપીઓને સજા ફરમાવવા માટે તેમજ સજા પામેલા એક માત્ર આરોપી સમીર પઠાણને નિર્દોષ ઠરાવવા માટે સાક્ષી રામજીભાઇ મારકણાની જુબાની મહત્ત્વની રહી છે.
કેસની ટૂંકી વિગત
૮મી ફેબ્રુઆરી ૨૦૦૪ના રોજ રાજકોટમાં એસ્ટેટ એજન્ટ નિલેશ રૈયાણી પોતાની કારમાં મિત્રો સાથે જઇ રહ્યા હતા ત્યારે તેમની પર ફાયરિંગ થતાં તેમનું મૃત્યુ થયું હતું. નિલેશ સાથે તેમની કારમાં બેઠેલા અન્ય મિત્રોમાં સાક્ષી રામજી પણ હતા. આ બનાવ અંગે ભાજપના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને બીજા ૧૫ જણા સામે હત્યાનો આરોપ હતો. રામજીએ જુબાની આપી છે કે, અમે જ્યારે નિલેશ સાથે સફર કરતા હતા ત્યારે ધારાસભ્યએ અમારી કાર આંતરીને પોતાની કારમાંથી નીચે ઉતરીને ગોળીબાર કર્યો હતો અને ફાયરિંગમાં નિલેશ રૈયાણીનું મૃત્યુ થયું હતું.