કલોલ: સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ દેવજી ફતેપરાને ચેક રિર્ટનના કેસમાં કલોક કોર્ટે બે વર્ષની કેદનો હુકમ કરીને રૂ. ર કરોડ ૯૭ લાખ ૧૦ હજારનો દંડ ફટકાર્યો હતો. જો દેવજી ફતેપુરા દંડ ન ભરે તો કેદની સજામાં વધારાનો હુકમ પણ કોર્ટે કર્યો હતો. અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહેતા પ્રભાતસિંહ ઠાકોર અને સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ દેવજીભાઈ ગોવિંદભાઈ ફતેપરા મિત્ર હતા ત્યારે દેવજીભાઈએ પોતાની રાજકોટમાં આવેલી ખેતીની જમીનના વેચાણની વાત કરતાં પ્રભાતસિંહે તે જમીન ખરીદવાની ઈચ્છા દર્શાવી હતી. બંને વચ્ચે જમીન વેચાણના સોદા પછી પ્રભાતસિંહે બહાના પેટે દેવજીભાઈને ટુકડે ટુકડે રૂ. ૧ કરોડ ૪૮ લાખ ૫૦ હજાર આપ્યા હતા. એ પછી દેવજીભાઈએ જમીનનું બાનાખત ૨૪મી એપ્રિલ, ૨૦૧૪ના સાક્ષીઓની હાજરીમાં થયું હતું.
કોઈ કારણે જમીનનો દસ્તાવેજ થઈ શકે તેમ ન હોવાથી પ્રભાતસિંહે આપેલા રૂપિયા તેમણે દેવજીભાઈ પાસે પરત માગ્યા હતા. દેવજીભાઈએ રૂ. ૧૪૮૫૦૦૦૦નો ચેક આપ્યો હતો. આ ચેક બેંકમાં ભરતા ચેક રિર્ટન થયો હતો. એ પછી પ્રભાતસિંહે વારંવાર ઉઘરાણી કરવા છતાં દેવજીભાઈએ કોઈ જવાબ ન આપતાં પ્રભાતસિંહે વકીલ મારફત કલોલ કોર્ટમાં ચેક રિટર્ન અંગેની નોટિસ જારી કરાવી હતી અને નોટિસના સમયમાં રૂપિયા પરત ન મળતાં ચેક રિટર્નની ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદ બાદ દસ્તાવેજી પુરાવા તથા સાક્ષીઓની જુબાનીના આધારે કોર્ટે દેવજીભાઈ ફતેપરાને બે વર્ષની સાદી કેદની સજા અને રૂ. ૨૯૭૧૦૦૦૦નો દંડનો હુકમ કર્યો હતો. જો દેવજીભાઈ દંડ ન ભરે તો વધુ ૩ માસની જેલની સજાનો હુકમ કર્યો હતો.
ભાજપમાં ગરમાવો
લીંબડી બેઠકની વિધાનસભાની ચૂંટણી જાહેર થઇ ગઇ છે. ભાજપ કોળી મતદારોને લઇને ઉમેદવાર પસંદગી કરવા અવઢવમાં છે ત્યારે સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ દેવજી ફતેપરાને સજા થતાં રાજકારણમાં ભારે ગરમાવો ફેલાયો છે.