રાજકોટઃ કાલાવડ રોડ પર રાણી ટાવર પાસે આવેલી આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતા અને આવાસ યોજનાના પ્રમુખ અને ભાજપના બક્ષીપંચના વિજયપુરી ભીખુપુરી ગોસ્વામી પર ૨૪મીએ એકાદ વાગ્યાના સુમારે તીક્ષ્ણ હથિયારના પંદર જેટલા ઘા ઝીંકાયા હતાં. વિજયપુરી ઉર્ફે વિભાગીરી ભીખુગીરી ગોસ્વામીને ગંભીર ઇજા સાથે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. વિજયપુરી, નવીનચંદ્ર તુલસીદાસ વિઠ્ઠલાણી, તેના બે પુત્ર ધવલ અને નિકુંજ વગેરે આવાસ યોજનામાં આવેલા મહાદેવના મંદિરના ઓટલા પર બેઠા હતાં. ત્યારે કવાર્ટરમાં જ રહેતાં રાજુ ઉર્ફે ડિમ્પલ કૃષ્ણમોરારી યાદવ, સંદીપ ઉર્ફે સેન્ડી રમેશભાઇ ખેર ત્યાં આવ્યા હતાં અને વિજયપરીને તેમણે કહ્યું હતું કે, તું દારૂનો ધંધો બંધ કરાવવા કેમ પોલીસમાં અરજી કરે છે? બોલાચાલી વધતાં જાનથી મારી નાખવાની ધમકી સાથે વિજય પર હુમલો કરતાં તેના પેટ, હાથ, પગના ભાગે છરીના પંદર જેટલા ઘા મારી દીધા હતાં. આ બનાવ નજરે જોનારા નવીનચંદ્ર વિઠ્ઠલાણીએ તાકીદે વિજયને હોસ્પિટલમાં ખસેડીને પોલીસ ફરિયાદ કરતાં પોલીસે રાજુ યાદવ અને સંદીપ ઉર્ફે સેન્ડી ખેર સામે હત્યાના પ્રયાસ સહિતનો ગુનો નોંધ્યો હતો.