અમદાવાદઃ ભાજપી ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું ધરી દેવાની ચીમકી સાથે તાજેતરમાં સરકાર પર આક્ષેપ કર્યો હતો કે, વિકાસના કામો થતા નથી. તેથી તેમને મનાવવા ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી વડોદરા આવ્યા અને સર્કિટહાઉસમાં મેરેથન બેઠક પછી કેતન ઈનામદારે રાજીનામું પાછું ખેંચ્યુ હતું. સાવલી મત વિસ્તારના બાકી રહેલા વિકાસનાં કામો કરવાની ખાતરી અપાતાં નારાજ ધારાસભ્ય ઈનામદાર તો માની ગયા, પણ વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના બગાવતના તેવર દેખાયા છે.
શ્રીવાસ્તવે ૨૩મીએ જણાવ્યું હતું કે, કેતન ઈનામદારે જે કર્યું તે બરોબર જ કર્યું હતું. મધુ શ્રીવાસ્તવનો કેતન ઈનામદારની તરફેણ કરતો વીડિયો વાઈરલ થયો હતો. આ વીડિયોમાં શ્રીવાસ્તવ કહે છે કે, ધર્મનું કામ છે. જેમાં કોર્પોરેશને મંજૂરી આપી દીધી છે. કલેક્ટર કચેરીએ મંજૂરી આપી દીધી છે ત્યારે રાજ્ય સરકારમાંથી મંજૂરી મળતી નથી તેની મને નારાજગી છે. જે રીતે કેતન ઈનામદારે રાજીનામું આપ્યું તે બરાબર કર્યું હતું. અધિકારીઓ સાંભળતા નથી અને કામ કરતા નથી. તેઓ જાડી ચામડીના થઈ ગયા છે. જેથી તેમને ચાબખા મારવા જરૂરી છે.
ધારાસભ્યોનાં બાકી કામોની યાદી મંગાવાઈ
આ ઘટના પછી ધારાસભ્યોના બાકી કામોની યાદી મંગાવાઈ છે. કલેક્ટરો પાસે પણ બાકી કામોની યાદી મંગાવાઈ છે. અધિકારીઓને અને ધારાસભ્યોને કામોને અગ્રતા આપવા સૂચના અપાઈ છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ ખુદ કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયા પણ પ્રધાનો કામ કરતા નથી તેવી ફરિયાદ કરી ચૂક્યા છે. આ ઉપરાંત કેટલાય ધારાસભ્યો તેમના વિસ્તારોના કામો અધિકારીઓ કામ કરતાં નથી તેવા પત્ર લખી ચૂક્યા છે. આ જોતાં હવે સરકાર આ મામલે સક્રિય બની છે. કેમ કે, ઈનામદારના રાજીનામાએ ભાજપ સરકારની રાજકીય પ્રતિષ્ઠા ખરડી છે.