રાજકોટઃ રાજ્યના વિપક્ષી નેતા શંકરસિંહ વાઘેલા અને પોરબંદરના ભાજપ સાંસદ, પાટીદાર આગેવાન વિઠ્ઠલભાઈ રાદડિયા વચ્ચે પહેલી ઓક્ટોબરે જામકંડોરણામાં બંધ બારણે બેઠક થતાં આ મુદ્દો રાજકીય પ્રવાહમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. જોકે મુલાકાત માત્ર અંગત સંબંધના દાવે ઔપચારિક જ હોવાનું હાલના તબક્કે સાંસદ રાદડિયા દ્વારા કથન કરાયું છે.
રાજકીય વર્તુળોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ પહેલીએ કોંગ્રેસના આગેવાન અને રાજ્યના વિપક્ષી નેતા શંકરસિંહ વાઘેલા જામકંડોરણામાં વિઠ્ઠલભાઈને મળ્યા હતા. બંને વચ્ચે ‘ચાય પે ચર્ચા’ ખાસ્સી એવી વાર સુધી થઈ હતી. મુલાકાત બાબતે રાદડિયાએ જણાવ્યું હતું કે, બાપુના કમાન્ડોના પિતાનું અવસાન થયું હતું જેથી તેઓ લૌકિકે પીપળીયા ગામે આવ્યા હતા. જેની મને ખબર પડતાં અંગત સંબંધોના દાવે બાપુને ચા પાણી પીવા માટે જામકંડોરણા આવવા કહયું હતું અને બાપુ આવ્યા હતા. શંકરસિંહ અને રાદડિયા બંને રાજપા વખતે સાથે જ હતા. અને રાદડિયા શંકરસિંહ બાપુના નિકટના અને વિશ્વાસુ હતા. તે જોતાં આ મુલાકાતથી રાજકીય વર્તુળોમાં અલગ અલગ વાતો વહેતી થઈ હતી.