ભાવનગરઃ જિલ્લાના વિશ્વ વિખ્યાત અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં લાંબા અરસા બાદ લક્ઝુરિયસ પેસેન્જર ક્રુઝ શિપનું આ માસના અંતે આગમન થશે. ભારતનું સૌથી મોટું ૧૪ માળનું અને લક્ઝુરિયસ પેસેન્જર ક્રુઝ શિપ ‘કર્ણિકા’ની હરાજી મુંબઈ હાઈ કોર્ટમાં સંપન્ન થયા બાદ સત્તાવાર રીતે લંડનની એનકેડી મેરીટાઈમ લિમિટેડને લેટર ઓફ સેલની ફાળવણી કરાઇ હતી. કેશ બાયર દ્વારા કોર્ટ સમક્ષ ૧૧.૬૫ લાખ ડોલરની રકમની ચુકવણી કરાઇ હતી.
આ પછી કેશ બાયરે પાકિસ્તાન, બાંગ્લાદેશ, ભારતના શિપબ્રેકરોને જહાજ વેચવા વાટાઘાટો શરૂ કરી હતી. એમાંથી અલંગના પ્લોટ નં. વી-૭ દ્વારા આ શિપ ખરીદવામાં આવ્યું છે. કોરોના ફેલાતાની સાથે જ ‘કર્ણિકા’ જહાજ ૧૨મી માર્ચ ૨૦૨૦થી મુંબઈ પોર્ટમાં લાંગરી દેવામાં આવ્યું હતું અને હાલ ૬૦ ક્રૂ મેમ્બરો તેની દેખભાળ કરી રહ્યા છે. આ જહાજ પર્યટકોને મુંબઈ-દુબઈ વચ્ચે પ્રવાસ કરાવતું હતું.
‘તરતી જન્નત’ના હુલામણા નામથી જાણીતા ‘કર્ણિકા’ લક્ઝુરિયસ ક્રૂઝ શિપની માલિકી જલેશ ક્રુઝ કંપની ધરાવતી હતી. જોકે કંપની નાદાર જાહેર થતાં જહાજને વેચી નાખવાનો વારો આવ્યો હતો. આ શિપમાં ૨૦૧૪ મુસાફરો અને ૬૨૧ ક્રૂ મેમ્બર્સનો સમાવેશ કરવાની ક્ષમતા ધરાવે છે. આ જહાજ ૧૯૯૦માં બનાવવામાં આવેલું છે, પરંતુ તેની ભવ્યતા આજે પણ અકબંધ છે.
‘કર્ણિકા’ જહાજમાં મુસાફરો માટે અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. અલંગના પ્લોટ નં. વી-૭ આર. કે. ઈન્ડસ્ટ્રીઝ એલએલપી દ્વારા પેસેન્જર શિપ ખરીદવામાં આવ્યું છે. આ મહિનાના અંત સુધીમાં આ જહાજ અલંગ આવી પહોંચે તેવી શક્યતાઓ છે. આ પછી તેમાંથી કિંમતી રાચરચીલા સહિતનો માલસામાન બહાર કાઢવામાં આવશે અને બાદમાં તેને તોડવાની કામગીરી હાથ ધરાશે તેમ મનાય છે.