જૂનાગઢ: ભારતીબાપુનો જન્મ ૧૯૩૦માં થયો હતો. માત્ર ૨૭ વર્ષની વયે ૧૯૫૭માં તેમણે અવંતિકાભારતી બાપુની નિશ્રામાં સંન્યાસ દીક્ષા ગ્રહણ કરી હતી. ગૌસેવા, સનાતન સંસ્કૃતિની રક્ષા, અયોધ્યા રામમંદિર સહિતના કાર્યોમાં તેમનું વિશિષ્ટ યોગદાન હતું. તેઓ છેલ્લા ૨ દિવસથી કહેતા હતા કે મારે મારા ગુરૂદેવના ચરણમાં જવું છે. તેમના નિધનથી સાધુ સમાજે ભિષ્મ પિતામહ ગૂમાવ્યા છે. ભવનાથના સંતોનો વડલો હતા. હવે વડલો જતા રહેતા સાધુ સમાજે વડિલ માર્ગદર્શકની છત્રછાયા ગૂમાવી છે.
૨૬ વર્ષ પહેલાં ભવનાથમાં આશ્રમની સ્થાપના કરી હતી. ભારતી બાપુને ગિરનારનું આકર્ષણ હતું અને તેમની ઇચ્છા પણ હતી કે તેમની સમાધિ અહીં લાગે. ગિરનાર ક્ષેત્રને બાપુએ કર્મભૂમિ બનાવી હતી અને છેલ્લે કર્મભૂમિમાં જ સમાધિષ્ટ થયા છે.
ભારતીબાપુને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, સીએમ વિજય રૂપાણી, ડેપ્યુટી સીએમ નીતીન પટેલ, અધ્યક્ષ સી.આઇ.પાટીલ સહિતના અગ્રણીઓએ બાપુને શ્રદ્વાજંલી આપી હતી. ગુરૂવારે બપોરે ૩ થી ૬ ભવનાથ અને શુક્રવારે ૩ થી ૬ સરખેજ શ્રદ્વાજંલી સભા યોજાશે.
કોરોના સંક્રમિત થયા બાદ અમદાવાદ ખાતે સારવાર દરમિયાન દેહ છોડ્યો
જૂનાગઢ ભારતી આશ્રમના મહંત, જૂના અખાડાના મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીબાપુ ૯૩ વર્ષની વયે બ્રહ્મલીન થયા છે. તેમના નિધનના સમાચારથી તેમના શિષ્યોમાં શોક છવાઇ ગયો છે. અમદાવાદની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન શનિવારે મોડી રાત્રે અંતિમ શ્વાસ લીધા. તેમના નશ્વર દેહને સરખેજ આશ્રમે ૧ કલાક અંતિમ દર્શન પછી રવિવારે સમાધિ અપાઇ હતી.
ઇન્દ્રભારતી બાપુએ જણાવ્યું કે, ૧૪ વર્ષની ઉંમર હતી ત્યારથી તેમની સાથે જોડાયેલો છું. અમારા છેલ્લા ગુરૂ મહારાજ પછીના મોભી હતા. એટલે તેમના અવસાનની અમે એક મોભી ગૂમાવ્યા છે. તેમનો સ્વભાવ સૌમ્ય હતો. ધર્મ પ્રચાર માટે, વ્યસન મુક્તિ માટે મોટું અભિયાન છેડ્યું હતું. સાધુ સમાજને માર્ગદર્શન આપતા હતા. ધર્મ, અખાડા કે રાષ્ટ્ર માટે આગળ રહેતા, કોઇની પરવાહ ન કરતા. રામભારતી બાપુની હત્યા થઇ ત્યારે આમરણ ઉપવાસ પર બેઠા હતા. શિવરાત્રી મેળાને મિનીકુંભ મેળાનો દરજ્જો અપાવવામાં તેમનો સિંહ ફાળો હતો.
બાપુ જૂનાગઢના અખાડાનું ઘરેણું હતાઃ હરિહરાનંદ બાપુ
ભારતી બાપુના શિષ્ય હરિહરાનંદ બાપુએ જણાવ્યું કે, ૧ એપ્રિલે બાપુનો ૯૩નો જન્મ દિવસ હતો તેની સરખેજ ભારતી આશ્રમ ખાતે ઉજવણી કરાઇ હતી. ૬ એપ્રિલે તબિયત લથડતા અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બાદમાં ૨ દિવસ સુધી સખત તાવ રહ્યો. બાદમાં કોરોનાની અસરે ઓક્સિજન ઘટતો ગયો અને ૧૧ એપ્રિલની રાત્રીના ૨:૩૦ વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લઇ લીધા. ભારતી બાપુ જૂનાગઢ અખાડાનું ઘરેણું હતું. તેમની વિદાયથી સાધુ સમાજને પુરી ન શકાય તેવી ખોટ પડી છે.