પોરબંદર: પાકિસ્તાન મરીન સિક્યુરિટીની વધુ એક નાપાક હરકત સામે આવી છે. તેણે ભારતીય જળસીમામાંથી વધુ ૫ બોટ અને ૩૦ માછીમારના અપહરણ કર્યા છે, જેમાં પોરબંદર, ઓખા, માંગરોળ, વણાંકબારાની બોટ હોવાનું જાણવા મળે છે. આમ એક જ માસમાં ૨૦ બોટ અને ૧૨૦ માછીમારના અપહરણ થયા છે.
પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા છાસવારે ભારતીય જળસીમામાં ઘુસીને ભારતીય બોટ સહિત માછીમારોના અપહરણ કરી લઈ જવાની ઘટના સામે આવે છે ત્યારે ૧૮ ફેબ્રુઆરીએ પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા ભારતીય જળસીમામાંથી માછીમારી કરી રહેલ ૫ બોટ અને ૩૦ માછીમારોના અપહરણ કરી પાકિસ્તાન લઈ ગયા છે.
જેમાં પોરબંદરની ૧, માંગરોળની ૨, ઓખાની ૧, વણાંકબારા - દિવની ૧ એમ કુલ ૫ બોટ અને ૩૦ માછીમારનો સમાવેશ થાય છે. બોટ અને માછીમારોના નામ હવે જાહેર થશે તેવું માછીમાર આગેવન મનીષ લોઢારીએ જણાવ્યું છે. વધુમાં જણાવ્યું હતું કે પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા ભારતીય જળસીમામાં ઘુસીને બોટ તથા માછીમારોના અપહરણ કરવાનો ૧૦ દિવસ બાદ વધુ એક બનાવ બન્યો છે. એક માસમાં ૨૦ બોટ અને ૧૨૦ માછીમારના અપહરણ થયા છે
જેમાં ઓખાની તુલસીમૈયા બોટ અને ૭ માછીમાર, નવસારીની સત્યવતી બોટ અને તેમાં સવાર ૩ માછીમાર, મેરાજ અલી અને અલ અહદ બોટ અને તેમાં સવાર ૧૩ માછીમાર તેમજ ૧૦ બોટ અને ૬૦ માછીમારના બોટ સાથે પાક. મરીન સિક્યુરિટી દ્વારા અપહરણ કરી લઈ ગયા છે. વધુ એક વખત ૫ બોટ અને ૩૦ માછીમારના અપહરણ કરી પાકિસ્તાન લઈ ગયા છે. હાલ પાકિસ્તાનના કબ્જામા ૬૦૦થી વધુ ભારતીય માછીમાર અને ૧૨૦૦થી વધુ ભારતીય બોટ છે.