રાજકોટ: રાજકોટમાં ૧૬મી જુલાઈએ સવારે ૭.૪૦ મિનિટે ૪.૮ રિક્ટર સ્કેલના ભૂકંપને કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. નિષ્ણાતોના મતે ખંભાળિયામાં તાજેતરમાં જ ભારે વરસાદ થયો હતો. તેથી પોચી જમીનનો જે વિસ્તાર હતો તેના પેટાળમાં સંતુલન ખોરવાયું હતું. જેથી આ ભૂકંપ આવ્યો હતો. ભૂકંપથી કોઈ જાનહાનિ થઈ નહોતી, પણ લોકો ભયભીત થઈને રસ્તા પર આવી ગયા હતા. ભૂકંપનું કેન્દ્ર બિંદુ રાજકોટ તાલુકાનું ભાયાસર ગામ હતું. આ ગામ ક્વોરેન્ટાઇન હોવાથી ભૂકંપ આવતાં લોકો ગામ છોડીને વાડી, ખેતરોમાં વસવાટ કરતા હતા.
ગાંધીનગર સ્થિત ઇન્સ્ટીટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (IRS)એ ભૂકંપના કેન્દ્ર બિંદુના સ્થળે લિનામેન્ટ હોવાનું પણ જાહેર કર્યું છે. લિનામેન્ટ એવો લાંબો ભૂ ભાગ છે જેની જમીનની જાડાઈ ઓછી હોય છે. જેના કારણે પેટાળમાં પ્રેશરમાં જરા પણ ફેરફાર થાય તો તેની અસર સપાટી પર અનુભવાય છે. નિવૃત્ત ભુસ્તર શાસ્ત્રી પી. આર. ચૌધરી જણાવે છે કે વરસાદ અથવા પાણીના પ્રેશરથી ભૂકંપ આવે તે નવી વાત નથી.
રાજકોટનો આંચકો અસાધારણ
ગાંધીનગરના સિનિયર સાયન્ટિસ્ટ સંતોષકુમારે જણાવ્યું કે, રાજકોટના ભૂકંપનું કારણ લિનામેન્ટ છે. સામાન્ય રીતે આટલા રિક્ટર સ્કેલમાં કંપન આવે તેના પહેલા અને પછી પણ શોક આવતા હોય છે, પણ આ એક જ નોંધાયો છે. ભારતીય ઉપખંડમાં ચોક્કસ વિસ્તારમાં ભારે વરસાદથી પણ આંચકા આવ્યાનું નોંધાયું છે. આવા વિસ્તારોમાં સૌરાષ્ટ્ર, વલસાડ, વાપી, નવસારી, પાલઘર, ખંડવા મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. કોઈ જગ્યાએ વધુ વરસાદ પડે તો વોટરલેવલ એકદમથી બદલાતા પ્રેશર પમ્પ જેવું બને છે જેથી આંચકા આવે છે, જોકે રાજકોટના કિસ્સામાં આ હજુ સ્પષ્ટ કહી શકાય નહીં. રાજકોટનો આંચકો પણ અસાધારણ જણાયો છે. અહીં લિનામેન્ટ મળી છે. નવી ફોલ્ટલાઇન અંગે ઘણું રિસર્ચ કરવું પડશે.