ભાવનગરઃ ભાવનગર પશ્ચિમની બેઠક પર આગામી વિધાનસભા ચૂંટણી જંગમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી અને કોંગ્રેસ દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલ વચ્ચે ટક્કર થવાની શક્યતા સેવાઈ રહી છે. રાજકીય વર્તુળોમાં થતી ચર્ચા મુજબ બે બળિયાના જંગમાં એકનો પરાજય નક્કી છે તે નર્યું સત્ય સૌ કોઈ જાણે છે. પરંતુ જીતુ વાઘાણી કે શક્તિસિંહ ગોલિહને પરાજય પરવડે તેમ નથી. આ બંને નેતાની રાજકીય કારકિર્દી એવા મુકામ પર છે કે, જીત સિવાય કશું ખપે તેમ નથી. એટલે વાઘાણી અને શક્તિસિંહ વચ્ચે એકબીજા સામ-સામે કટરાવાના બદલે બંને માટે જીતનો માર્ગ મોકળો થઈ જાય તે રીતે સલામત બેઠકો પસંદ કરી અસર-પરસ બંને સામે ભાજપ-કોંગ્રેસના નબળા ઉમેદવારને ટિકિટ આપી દેવાની વાટાઘાટો થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સૂત્રોએ ત્યાં સુધી કહ્યું હતું કે, પશ્ચિમમાં વાઘાણી સામે ગત ૨૦૧૨ની જેમ આ વખતે પણ કોંગ્રેસ નબળો ઉમેદવાર ઉતારશે અને શક્તિસિંહ અબડાસા કે માંડવી જ્યાંથી લડશે ત્યાં ભાજપ પણ નવો અને નબળો ચહેરો ઉતારી ગોહિલને બેઠક ભેટ ધરી દેશે.
જોકે, ચૂંટણી સમયે આવી અનેક વાતો વહેતી થાય છે એટલે ઉમેદવાર જાહેર ન થાય ત્યાં સુધી આવી ચર્ચાને નક્કર ગણી શકાય નહીં!