ભાવનગરઃ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીની લાઇબ્રેરી સમગ્ર રાજ્યમાં રેડિયો ફ્રિકવન્સી આઇ.ડી. ધરાવતી સૌપ્રથમ એકેડેમિક લાઇબ્રેરી બની ગઈ છે. ભાવનગર યુનિ.ની લાઇબ્રેરીમાં કુલ ૧,૪૪,૦૭૨ પુસ્તકો છે. આ ઉપરાંત ૨૨ ફોરેન જર્નલ અને ૧૮૫૫થી લઈને નોંધનીય ઇન્ડિયન જર્નલ સામેલ છે. હાલમાં આ લાઇબ્રેરીનો કુલ ૧૨૮૪ વિદ્યાર્થીઓ લાભ લઇ રહ્યાં છે. રેડિયો ફ્રિકવન્સી ચીપ તમામ પુસ્તકોમાં લગાડવામાં આવી છે. ઉપરાંત એટીએમની જેમ મશીન લગાડવામાં આવ્યા છે. જેમાં લાઇબ્રેરીમાંથી પુસ્તક પસંદ કરી અને કિઓસ્કમાં પુસ્તક અને રજિસ્ટ્રેશન આઇડી કાર્ડ મૂકવામાં આવે તો ઓટોમેટિક પુસ્તક જે તે વિદ્યાર્થીના નામે ડેબિટ થઇ જાય છે અને તેની રિસિપ્ટ પણ મળે છે. જ્યારે વિદ્યાર્થી પુસ્તક પરત કરે ત્યારે અન્ય મશિનમાં મુકતા તે જમા થઇ જાય છે અને તેની સ્લીપ પણ મળે છે.
પુસ્તકો શોધવા હેન્ડ રીડર
રેકમાંથી મનગમતું પુસ્તક શોધવા માટે હેન્ડ રીડરનો ઉપયોગ કરાય છે. તેમાં ડેટા ફિટ કરી અને રેકમાં ફેરવવામાં આવે તો પુસ્તક શોધી આપે છે.