ભાવનગરના યુવાન સચિને રૂ. ૨ કરોડની જાલી નોટ છાપી

Wednesday 12th December 2018 06:13 EST
 

ભાવનગર: સુરતના ભાઠેના વિસ્તારમાં દોઢ માસ અગાઉ રૂ. ૨૦૦૦ની ૧૨૭ જાલી નોટ વટાવવા જતા ભાવનગરના બે યુવાનો ઝડપાયા હતા. બંનેને જાલીનોટ સપ્લાય કરનાર ભાવનગરના સચિન પરમારને નવમીએ ક્રાઈમ બ્રાન્ચે કુંભારિયા ગામ પાસેથી ઝડપી પાડી ૧૦ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. નોટબંધી બાદ લગભગ રૂ. બે કરોડની જાલીનોટ છાપનાર સચિન પરમારે સંખ્યાબંધ લોકોને કમિશનથી જાલી નોટો આપી હતી.
સુરતની ઉધના પોલીસે ૨૬ ઓક્ટોબરે ભાઠેના વિસ્તારમાંથી રૂ. ૨૦૦૦ની ૧૨૭ જાલીનોટ વટાવવા આવેલા ભાવનગરના ઘોઘાના બે યુવાન બિપિન પરમાર અને કિશન સોલંકીને ઝડપી લીધા હતા. બંનેની પૂછપરછમાં તેમને જાલી નોટ ભાવનગરના વિપુલ ઉર્ફે સચિન પરમારે આપી હોવાનું બહાર આવ્યું હતું .દરમિયાન, આ ગુનામાં વોન્ટેડ સચિન પરમાર કુંભારીયા ગામમાં આવ્યો હોવાની બાતમી ક્રાઇમ બ્રાન્ચને મળતા તેને ઝડપી લીધો હતો.
ભારતમાં નોટબંધી બાદ સચિન પરમારે અસલી ચલણી નોટને કમ્પ્યુટરમાં સ્કેન કરી તેની પ્રિન્ટ આઉટ મેળવી અંદાજિત રૂ. બે કરોડની જાલી નોટો છાપી હતી અને ઘણા લોકોને કમિશનથી વટાવવા માટે આપી હતી. ભાઠેના યુવાનોને પૈસાની જરૂર હોવાથી સચિન પાસેથી જાલીનોટો લીધી હતી. સચિન પણ અમરેલીમાં
રૂ. એક કરોડથી વધુની જાલી નોટો સાથે ઝડપાયો હતો. ભાવનગર પોલીસે પણ તેની જાલીનોટો સાથે ધરપકડ
કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter