ભાવનગરના હીરા ઉદ્યોગને નોટબંધીની ફટકાર

Wednesday 23rd November 2016 06:59 EST
 

ભાવનગરનો હીરાઉદ્યોગ મંદીથી બેહાલ છે તો નોટબંધીએ કમ્મરતોડ ફટકો માર્યો છે. પરિણામે હીરા બજારમાં ૧૫ ટકા જેટલા જ હીરાના વ્યવસાયીઓ આવે છે અને એ પણ ટાઈમ પાસ માટે કારણ કે કામકાજ તો ઠપ્પ જેવી સ્થિતિમાં છે. હીરા ઉદ્યોગના જાણકાર સૂત્રો કહે છે કે એક સમયે સુરત પછી મોખરાનું સ્થાન ધરાવતો ભાવનગર જિલ્લાનો હીરાનો કારોબાર છેલ્લા સવા દોઢ વર્ષથી મંદીનો માર સહન કરી રહ્યો છે. એક સમયે જિલ્લામાં જ્યાં હીરાના અંદાજે છ હજાર જેટલા કારખાના ધમધમતા હતા તેમાંથી અંદાજે બે હજાર જેટલા કારખાના ઓલરેડી બંધ થઈ ગયા છે અને જે ચાલુ રહ્યા તેમાંથી પણ મોટા ભાગના દીવાળીના વેકેશન પછી ખુલ્યા જ નથી. સામાન્ય રીતે દિવાળી પછી લાભપાંચમના શુભમુહૂર્તે હીરાના કારોબારીઓ વ્યવસાયના શ્રીગણેશ કરે છે પરંતુ આ વખતે કારતક વદ સાતમ આવી ગઈ છતાં હજુ માર્કેટ શરૂ થયું નથી.

ચલણી નોટ બંધ થતાં પાલિતાણામાં યાત્રાને અસર

ભારતીય ચલણી નોટ જમા કરાવવા અને નવી ચલણી નોટો મેળવવા બેંકો પર લાંબી કતારો લાગી રહી છે. નોટ બંધની ઈફેક્ટના કારણે પાલિતાણામાં કેટલીક યાત્રા બંધ રહી હોવાનું જાણવા મળે છે. કાર્તિકી પૂનમથી તળેટી વિસ્તારમાં આવેલી જુદી-જુદી ધર્મશાળાઓ અંદાજે ૨૫ જેટલી ૯૯ યાત્રાનું આયોજન હતું, પરંતુ રૂપિયા એક હજાર અને પાંચસોની નોટ બંધ થવાની અસરકારકતાનાં કારણે હાલમાં આશરે ૧૫ જેટલા સ્થળોએ ૯૯ યાત્રાઓ શરૂ થઈ છે. નોટબંધીના કારણે ૧૦ જેટલી ૯૯ યાત્રાના આયોજનો પડતા મૂક્યા હોવાનું જણાઈ રહ્યું છે. ઉપરાંત આરાધકોની સંખ્યામાં પણ ઘણી ઓછી જોવા મળી રહી છે.

નોટબંધીથી રૂ. દોઢસો કરોડનું કપાસ અટવાયું

રાજકોટઃ સૌરાષ્ટ્ર અને કચ્છ કપાસના ઉત્પાદનમાં મોખરાના પ્રદેશ ગણવામાં આવે છે. ચાલુ વર્ષે એટલે કે વર્ષ ૨૦૧૬ દરમિયાન અઢીસોથી ત્રણસો કરોડના કપાસનું ઉત્પાદન કચ્છ અને સૌરાષ્ટ્રમાં થયું છે. આ પૈકી ૧૦૦૦થી ૧૧૦૦ જેટલી ટ્રકો એટલે કે રૂ. ૧૦૦થી ૧૧૦ કરોડના કપાસનું વેચાણ હાલ સુધીમાં થઇ ગયું છે. આ પછી નોટબંધી આવતાં હજી ખેડૂતો પાસે ૧૫૦૦ જેટલી ટ્રકોનો કપાસનો જથ્થો પડી રહ્યો છે. અગાઉ રોજની આશરે ૨૦થી ૨૨ જેટલી ટ્રકોનું પરિવહન થતું હતું જેના બદલે હમણાં માત્ર ૩થી ૪ ટ્રકો ભરીને જ કપાસનું પરિવહન થાય છે તેમાંય ખરીદનાર ખેડૂત ચેકથી ચૂકવણું કરે છે. તેથી કપાસ ઉત્પાદકો ભારે ચિંતામાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter