રાજકોટઃ ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ કપના ફાઈનલ મુકાબલામાં અંડર-૧૯ ટીમ ઇન્ડિયાએ શાનદાર વિજય હાંસલ કર્યો છે અને આ જીત પાછળ મૂળ ભાવનગરના હાર્વિક દેસાઈએ સિંહફાળો આપ્યો છે ત્યારે ક્રિકેટ ક્ષેત્રે સૌરાષ્ટ્રનું વધુ એક હીર ઝળક્યું છે. સૌરાષ્ટ્ર જ નહીં દુનિયાભરના ક્રિકેટપ્રેમીઓ હાર્વિકને ધોની સાથે સરખાવવા લાગ્યા છે. ફાઇનલમાં હાર્વિકે ચોક્કો ફટકારીને ટીમને વિજય અપાવ્યો હતો. હાર્વિકના પિતા મનિષભાઇ ભાવનગરમાં દરજીકામ કરે છે અને માતા અમીબહેન ગૃહિણી છે જયારે પરિવારમાં એક નાની બહેન રુદ્રા છે. હાર્વિકે ચારેય મેચમાં સ્ટમ્પની આગળ અને સ્ટમ્પની પાછળ અદ્ભુત પ્રદર્શન કરી બતાવ્યું છે. અંડર-૧૯ વર્લ્ડ કપમાં હાર્વિકને ઝિમ્બાબ્વે સામેના મેચમાં રમવાની તક મળી હતી અને તેમાં બે સ્ટમ્પિંગ અને ૫૬ રન કર્યા હતા. આ પછી બાંગ્લાદેશ સામે તેણે ૩૫ રન બનાવ્યા હતા. ત્યારબાદ પાકિસ્તાન સામે સેમી ફાઈનલ મુકાબલામાં ૧ સ્ટમ્પિંગ અને ર૦ રન અને ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે અણનમ ૪૭ રન અને ૩ કેચ ઝડપ્યા હતા. આમ હાર્વિકે ચારેય મેચમાં અદભુત પ્રદર્શન કરી વિજયમાં યોગદાન આપ્યું છે.