ભાવનગરઃ માતાનું દૂધદાન આપે છે શિશુને જીવનદાન. આ સૂત્રને સાકાર કરવા રોટરી ક્લબ ભાવનગર દ્વારા હવે શહેરમાં મધર્સ મિલ્ક બેન્કનો આરંભ થઇ રહ્યો છે. રોટરી અમૃતાલય ખાતે નવજાત શિશુની જીવન સંજીવનીના નામે મધર્સ મિલ્ક બેન્ક શરૂ થશે. સાંપ્રત જીવનની અનેકવિધ સામાજિક સમસ્યાઓમાં એક સમસ્યા છે પ્રસૂતા માતામાં દૂધની ઊણપ કે ઓછું દૂધ. આના અનેક કારણો હોઈ શકે છે. તાજાં જન્મેલાં ઓછા વજનવાળાં અને અપરિપક્વ નવજાત શિશુઓને નિયોનેટલ કેર યુનિટમાં રાખવામાં આવ્યાં હોય ત્યાં માતાનું દૂધ એ બાળક માટે જીવન સંજીવની તરીકે કામ કરી શકે છે. આ નવજાત શિશુઓને અપાતું કૃત્રિમ અને ડબ્બાના દૂધથી ઇન્ફેક્શન, એલર્જી થતાં હોઈ યોગ્ય પોષણના અભાવે મૃત્યુ થાય છે.
ગુજરાતમાં હાલ આણંદ, વડોદરા, સુરત સહિત ચાર સ્થળોએ મધર મિલ્ક બેન્ક છે, જ્યારે ભાવનગરમાં આ બેન્ક કાર્યરત્ થતાં સૌરાષ્ટ્રની પ્રથમ મધર મિલ્ક બેન્ક બની રહેશે તેમ રોટરી ક્લબના ભાવેશભાઈએ જણાવ્યું હતું. આ માટે 28 લાખના ખર્ચે મશીનરી વસાવવામાં આવી છે. ભાવનગરમાં હાલ 200 જેટલા નિયોનેટલ બેડ છે તેમાં બાળકો માટે આ દૂધ આશીર્વાદસમાન બની રહેશે. તમામ સુવિધા વિનામૂલ્યે અપાશે.
નવજાત શિશુઓને જો આ સંજોગોમાં માતાનું દૂધ મળે તો તેનું સ્વાસ્થ્ય ઝડપથી સારું થાય છે, વજન વધે છે અને તેમને નિયોનેટલ ઇન્સેટિવ કેર યુનિટમાંથી ઝડપભેર રજા મળી જતી હોય છે. કોઈ પણ સ્વસ્થ પ્રસૂતા માતા પોતાના વધારાના દૂધનું કે જેનું સંતાન જન્મ પછી બચી શક્યું નથી તેવી માતા પોતાના દૂધનું દાન કરી શકે છે. કોઈ પણ માતામાં આવતું ધાવણ એ કુદરતી જ બાળકની જરૂરિયાત કરતાં વધારે હોય છે. આથી દૂધદાન પછી પોતાના બાળકને ક્યારેય દૂધની કમી થતી નથી.