વેરાવળઃ જગવિખ્યાત સોમનાથ મહાદેવ મંદિરે ૩૦ માર્ચે દિવ્યાંગ ભિક્ષુક સાધુએ ભિક્ષાવૃત્તિથી એકત્ર કરેલા નાણાંમાંથી સોમનાથ મહાદેવને ધ્વજારોહણ કરીને પોતાનો સંકલ્પ પૂર્ણ કર્યો હતો.
સોમનાથ મહાદેવ મંદિર, પવિત્ર ત્રિવેણી સંગમ અને ગીતા મંદિર આસપાસ અનેક ભિક્ષુકો સાધુઓ ભિક્ષાવૃત્તિ કરે છે. જેમાના એક દિવ્યાંગ ભિક્ષુક સાધુ સુપાનગીરી હરીગીરી ગાંગુરડે (૬૫) મૂળ મહારાષ્ટ્રના છે. જોકે તે છેલ્લા પાંચ દાયકાથી સોમનાથ મંદિર આસપાસમાં ફરતા રહીને ભિક્ષાવૃત્તિ કરીને પોતાનો નિર્વાહ કરે છે.
આ દિવ્યાંગ સાધુએ દ્વારકા અને સોમનાથ તીર્થમાં ભિક્ષા માંગવાનું કામ કરતા કરતા પોતાને મળેલી ભિક્ષાવૃત્તિની રકમમાંથી સોમનાથ મહાદેવને ધ્વજા ચઢાવવાનો સંકલ્પ કર્યો હતો. જે મુજબ થોડા દિવસો પહેલા દિવ્યાંગ સાધુ સુપાનગીરીએ સોમનાથ ટ્રસ્ટ મંદિરમાં રૂ. ૧૧ હજાર ભરીને ધ્વજા ચઢાવવા માટે નોંધણી કરાવી હતી. ૩૦મી માર્ચે સવારે તેમણે અન્ય ભિક્ષુકો સાથે મળીને વિધિપૂર્વક પૂજન કરીને સોમનાથ મંદિરે પહેલી ધજા ચઢાવી હતી.