જામનગરમાં રૂ. એકસો કરોડની જમીન પચાવી પાડવાના પ્રકરણમાં પકડાયેલા જયેશ મૂળજીભાઈ પટેલને પોલીસે અમદાવાદની ઇ.ડી.કોર્ટમાં રજૂ કરવાનો હતો. જયેશ અને પોલીસકર્મીઓને અમદાવાદ આવવા માટે સરકારી વાહનના બદલે સુવિધાજનક કાર રોકાઈ હોવાની તથા જયેશની અન્ય સુવિધાઓ પણ સાચવવામાં આવી હોવાથી સૌરાષ્ટ્ર પોલીસ, કારધારકો, ડ્રાઈવર, જયેશના કુટુંબી ભાઈ અને એક અન્ય કેદી સહિત ૧૦ લોકો સામે ભ્રષ્ટાચારનો આરોપ લગાવવામાં આવ્યો છે. નાયબ પોલીસ અધિકારી એસ. એમ. સૈયદે આ ફરિયાદ નોંધાવી છે.
• ૧૦૮ સેવા દ્વારા સગર્ભાની રોડ પર જ પ્રસૂતિઃ ગુંગણ ગામ પાસે એક સગર્ભા રોડ પર કણસી રહી છે તેવો કોલ મોરબીની મેડિકલ ઇમરજન્સી સેવા ૧૦૮ની ટીમને આવ્યો. ટીમના વિજયભાઈ દૂધરેજીયા અને નરેશ ચૌધરી તુરંત સ્થળ પર ગયા હતા. તો જણાયું કે મહિલાને તુરંત જ બાળક આવે તેમ છે આ સમયે સમયસૂચકતા વાપરીને મહિલાની રોડ પર જ ડિલિવરી થઈ હતી.
• લગ્નના વરઘોડામાં ફાયરિંગ કરાતા સ્ત્રીનું મોતઃ દેવધરી ગામના વિપુલ સોલંકીની જાન ગઢડા તાલુકાના રામપરા ગામમાં ૧૯મી ફેબ્રુઆરીએ નીકળી હતી. વરઘોડામાં ધનજીભાઈ ઝાપડિયા અને દેવધરીના ગોહિલે હવામાં ગેરકાયદે ફાયરિંગ કર્યું. જેમાંથી ધનજીની ગોળી પતિ સાથે આગળ ચાલતા નીતા ગોહિલને (૨૮)ને વાગતાં તેનું મોત થયું હતું.