રાજકોટઃ ભેટસુડામાં ૧૩મી ડિસેમ્બરે આંબેડકરનગરમાં યોજાયેલા ૬૦મા બોધિસત્ત્વ મહાપરિનિર્વાણ વર્ષ ત્રિવિધ મહોત્સવમાં બૌદ્ધ ધમ્મ દિશા મહોત્સવમાં ગામના ૧૦૦ દલિત ભાઈઓ-બહેનોએ મોટી સંખ્યામાં હિન્દુ ધર્મમાંથી બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન સભાની મંજૂરી મેળનારા ભેટસુડાના અરજદાર રામજીભાઈ પરમારને ધર્મપરિવર્તન અંગે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે, મારા પરિવારના જ ૨૫ સદસ્યો અને અન્ય મળીને અંદાજે ૧૦૦ જેટલા લોકો બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો છે. અમે સ્વેચ્છાએ ધર્મ પરિવર્તન કર્યું છે. અમે ૩૦ વર્ષથી બૌદ્ધ વિચારધારામાં માનીએ છીએ તે માનવતાવાદી ધર્મ છે જેમાં કોઈ જ્ઞાતિ જાતિના ભેદભાવ નથી તેથી આ ધર્મ અપનાવ્યો છે. કાર્યક્રમ દરમિયાન ડો. બાબાસાહેબના ફોટાનું પ્રદર્શન પણ યોજાયું હતું.
ભેટસુડાના કિશોરભાઈ આલાભાઈએ જણાવ્યું હતું કે, અમે કાયદેસર રીતે ધર્મ અંગિકારનું ફોર્મ પણ અગાઉ ભર્યું છે. ફોર્મમાં જણાવ્યા પ્રમાણે હિન્દુ ધર્મમાંથી બૌદ્ધ ધર્મમાં જવા ગુજરાત ધર્મ સ્વતંત્ર નિયમ અન્વયે કોઈ ધાકધમકી, છળકપટ, લાલચ, પ્રલોભનથી અમે ધર્મપરિવર્તન કરતા નથી એવું જણાવ્યું છે.
આ ઉપરાંત તંત્ર દ્વારા ધર્મ અંગિકાર માટેના સોગંદનામા સહિતની તપાસ કરીને અમારા નિવેદનો પણ લેવાયા છે અને તેનો વિસ્તૃત અહેવાલ લાગતાવળગતા અધિકારીઓને પણ અમારા દ્વારા સુપરત થઈ ચૂક્યો હતો.