મંદિરોમાં પ્રથમ સેનિટાઇઝર અને પ્રસાદીમાં આયુર્વેદિક દવાઃ સંતોને પ્રણામ

Wednesday 03rd June 2020 07:06 EDT
 
 

રાજકોટ: આશરે છેલ્લા બે મહિનાથી કેટલાય મંદિરોના દ્વાર ભક્તો માટે બંધ છે. સરકારે લોકડાઉન ફાઈવ પછી શરતોને આધીન ધાર્મિક સંસ્થાઓ-મંદિરોને છૂટ આપવાની જાહેરાત કરી. જોકે એ પહેલાં સાવચેતી સાથે કેટલાક મોટા મંદિરોએ ભક્તો માટે દ્વાર ખુલ્લા મૂકવાની જાહેરાત સાથે જણાવ્યું હતું કે, ભાવિકોએ પ્રભુભક્તિ નિયમોને આધીન કરવાની રહેશે. રાજકોટના ત્રણ મોટા મંદિરોએ તેમના નિયમો ૨૬મી મેએ જાહેર કર્યાં હતાં.
ઇસ્કોન મંદિર (કાલાવડ રોડ), સ્વામીનારાયણ મંદિર - વડતાલ (ભૂપેન્દ્ર રોડ), અને રામકૃષ્ણ આશ્રમ આ ત્રણ મંદિરોમાં ભાવિકોએ પ્રવેશતાં પહેલા જુદાં જુદાં નિયમો પાળવા પડશે.
• દરેકે માસ્ક પહેરવું ફરજિયાત, માસ્ક વિના પ્રવેશ નિષેધ. પૂજારી પણ માસ્ક-ગ્લોઝ પહેરી પૂજા કરશે.
• મંદિર બહાર ટેમ્પરેચર ચેક કરાશે.
• દર્શન કરી તુરંત નીકળી જવાનું રહેશે, મંદિરમાં બેસી પૂજા-પાઠ નહીં કરાય.
• ભાવિકોને ચરણામૃતને બદલે પહેલાં સેનિટાઈઝર અપાશે.
• પ્રસાદીમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આયુર્વેદિક દવાઓ પ્રસાદીરૂપે અપાશે.
• પ્રભુની પ્રતિમાને પણ એકાંતરે સેનિટાઈઝ કરાશે.
• ભાવિકો સંતોને ચરણસ્પર્શ નહીં કરી શકે, દૂરથી પ્રણામ કરવાના રહેશે.
• મંદિરમાં એક સમયે એક સાથે ૨૦થી વધુ ભાવિકોને પ્રવેશ નહીં.
• ઇસ્કોન મંદિરના પ્રમુખ વૈષ્ણવ સેવાદાસે જણાવ્યું કે, દર્શનાર્થીના મોબાઇલમાં આરોગ્ય સેતુ એપ ઇન્સ્ટોલ ફરજિયાત હોવી જોઈએ. ભાવિકોએ મંદિરના ઓરડામાં પ્રવેશતાં પહેલા મુખ્ય દરવાજા પર મૂકેલ રજિસ્ટરમાં તારીખ, સમય, નામ (પરિવારના ઓછામાં ઓછા એક સભ્યનું) અને મોબાઇલ નંબર દર્શાવવાનું રહેશે.
• ભૂપેન્દ્ર રોડ પરના સ્વામીનારાયણ મંદિરના રાધારમણદાસજી સ્વામીએ જણાવ્યું કે, મંદિરમાં દર્શનનો સમય ઘટાડીશું, ભાવિકોને ભેગા નહીં કરાય. એકસાથે વધુ ભક્તો ભેગા નહીં થવા દેવાય.
• રામકૃષ્ણ આશ્રમના અધ્યક્ષ નિખિલેશ્વરાનંદ સ્વામીએ જણાવ્યું કે, મંદિર ખૂલ્યાના ૧૫ દુવસ સુધી કોઈને પ્રવેશ નહીં મળે. મંદિરને સંપૂર્ણ સેનિટાઈઝ કરાશે. સ્વયંસેવકો-પૂજારી પણ માસ્ક-ગ્લોઝ પહેરશે. ભાવિકો થાળ ધરાવવા ફળ-મીઠાઈ લાવશે તે દૂર રખાશે, ભોજન પ્રસાદ સ્થગિત કરીશું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter