ભાવનગરઃ ૪૦૦થી વધુ મુસાફરો અને વાહનો સાથે ૨૧મીએ દહેજથી ઘોઘા આવી રહેલું રો રો ફેરી સર્વિસના જહાજનું એન્જિન બંધ થઈ જતાં દરિયામાં આ જહાજ ખોટકાઈ ગયું હતું. મધદરિયે જહાજ બંધ પડતાં મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જોકે આ જહાજને રેસ્ક્યુ કરીને ઘોઘા લઈ જવાયું હતું.
મધદરિયે એન્જિન બંધ
ગયા મહિને ઘોઘા-દહેજ વચ્ચે રો રો ફેરી સર્વિસની શરૂઆત કરવામાં આવી હતી. આ ફેરી સર્વિસનું જહાજ દહેજથી ઘોઘા આવી રહ્યું હતું ત્યારે ઘોઘાથી ૩ નોટિકલ માઇલ દૂર દરિયામાં અચાનક એનું એન્જિન બંધ થઈ ગયું હતું. આ ટેકનિકલ ખામી સર્જાતા જહાજ દરિયાની વચ્ચે ફસાઈ ગયું હતું. આ જહાજ બંધ થયાની જાણ થતાં જ જહાજમાં સવાર મુસાફરો ચિંતામાં મુકાઈ ગયા હતા અને જહાજના બહારના ભાગમાં આવી ગયા હતા. આ જહાજમાં ૪૬૧ મુસાફરો અને ૯૫ જેટલાં વાહનો હતાં.
આ ઘટનાની જાણ ભાવનગર પોર્ટને કરવામાં આવતાં મુસાફરોને સલામત રીતે બહાર લાવવા માટે ટગ બોટ મોકલીને રેસક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. મુસાફરો અને જહાજને ઘોઘા લાવવામાં આવ્યા હતા. પોર્ટ ઓફિસર ચઢ્ઢાએ કહ્યું હતું કે ટેકનિકલ ફોલ્ટને કારણે જહાજ એકાદ-બે કલાક માટે દરિયામાં અટકી ગયું હતું. જોકે મુસાફરો અને જહાજને સલામત રીતે ઘોઘા લઈ આવ્યા છીએ.
પેસેન્જર શીપ પણ બંધ
લોકાર્પણથી લઈ સેવા શરૂ થયા સુધી અનેક વિઘ્નોનો સામનો કરતી રોપેક્સ ફેરી સર્વિસ શરૂ થયાના ર૬મા દિવસે દહેજથી ઘોઘા આવતા વોયેજ સિમ્ફની જહાજનું એન્જિન મધદરિયે ફેલ થતાં સાંજે ઘોઘાથી દહેજ જતી ટ્રીપ કેન્સલ કરવી પડી હતી. આ સેવા અચોક્કસ મુદ્દત માટે બંધ કરી દેવાઈ છે. સોમવારે સેવા શરૂ થયાના ૩૧માં દિવસથી પેસેન્જર શિપ પણ બંધ કરાયું છે. રૂ. ૮રપ કરોડ પ્રોજેક્ટ અને શિપ પાછળના ખર્ચા બાદ પણ આ સેવાની સમુદ્રી સફરની ગાડી પાટે ચડતી નથી.