રાજકોટ: મવડીથી કણકોટ જવાના રસ્તા પરના પુલ નીચેથી પાંચમી સપ્ટેમ્બરે અજાણી મહિલાની લાશ મળી આવતા પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં મોકલ્યો હતો. દરમિયાન તાલુકા પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક મહિલા જામનગર રોડ પર ફૂડ કોર્પોરેશન ગોડાઉન રોડ પર મધુરમ એપાર્ટમેન્ટમાં રહેતી અને વડવાજડી ગામે મધ્યાહન ભોજનની સંચાલિકા હિનાબહેન રાજેશભાઈ મહેતા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસની વધુ તપાસમાં જાણવા મળ્યું કે માયાણીનગરમાં રહેતા અને કર્મયોગી સ્કૂલ કોલેજના સંચાલક શાંતિલાલ હરદાસ વિરડીયાએ પરપ્રાંતીય સાગરીત વિજય શ્રીઆધ્યા રાયની મદદથી વણિક વિધવા હિનાબહેન મહેતાની હત્યા કરી હતી. પોલીસે બંનેની ધરપકડ બાદ બહાર આવ્યું કે, કર્મયોગી સ્કૂલમાં પાંચમા માળે હિનાબહેન સાથે મીઠા સંબંધો અંગે તકરાર ઊભી થતાં શાંતિલાલે તેમની હત્યા કરી હતી. બાદમાં શાંતિલાલ વિરડીયાની સ્કોર્પિયો કારમાં લાશ નાંખી કણકોટ જવાના રસ્તે વિજય રાયે લાશ ફેંકી દીધી હતી અને બન્ને પરત આવતા રહ્યા હતા.