જૂનાગઢઃ ગીરના પશ્ચિમમાં કેરાંભા થાણા નજીક આવેલા ગંગાજળીયા નેસમાં એક આશ્ચર્યજનક ઘટના બની. ગીરના જંગલની આજુબાજુના નેસમાં સિંહનું આવી ચડવું બહુ સામાન્ય ગણાય છે, પરંતુ રવિવારે સાંજે પાંચ વાગે જે બન્યું તે બિલકુલ અસામાન્ય હતું.
નેસમાં અચાનક એક સિંહ ઝૂંપડાના પાછળના ભાગેથી આવી પહોંચ્યો. નેસમાં બે બાંધેલા વાછરડાનું મારણ કરીને સિંહ ત્યાં જ બેસીને તેની ભૂખ પૂરી કરતો હતો. સિંહ જ્યાં બેઠો હતો તેનાથી માત્ર બે જ મીટર દૂર એક ઘોડિયામાં બાળક સૂતું હતું. સિંહ સામાન્ય રીતે માનવી ઉપર હુમલા કરતા નથી, પણ સાવજ ભૂખ્યો હોય તો તેનો ભરોસો ન કરાય. વળી અવાજ થાય અને બાળક ઊઠી જાય તો સિંહ તેને જીવતું મૂકે નહીં. સિંહ પોતાના નેસમાં પેઠો છે એ જાણતી બાળકની માતા મલીબહેને મદદ માટે આજુબાજુ નજર દોડાવી તો એક યુવાને તેની મદદે થતાં સિંહની નજીક જઈને તેને ઊભો કરવાની કોશિશ કરી જોઈ, પણ ગુસ્સે ભરાયેલા સિંહે પોતાના સાથળ ઉપર પંજો મારી દીધો, એક યુવાને સિંહને લાકડી ફટકારી તો સિંહે ગર્જના કરી પણ વાછરડાને મૂકીને ઊભો થયો નહીં. આ સ્થિતિમાં ઘોડિયામાં સૂતેલા બાળકની માતાએ જ હિંમત કરી અને તેણે ઘોડિયા ભણી દોટ મૂકી. સિંહની નજર સામેથી જ તેણે ઘોડિયામાંથી બાળકને ઊઠાવીને છાતી સરસું ચાંપ્યું અને સિંહની સામેથી જ નીકળી ગઈ.
નેસમા સિંહ આવ્યાની વાતથી ભેગા થયેલા માલધારીઓ પણ આ દૃશ્ય જોઈને ચોંકી ગયા. મલીબહેને આ ઘટના પછી કીધું કે, સાવજ આમ તો વારંવાર અહીં ચાલ્યા આવે, પણ હું જીવતી હોઉં અને સિંહ મારા દીકરાનો શિકાર કરે એ તો ન જ થવા દઉં ને...?