જૂનાગઢ: રાજકોટમાં રહેતા અને પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ રસિકલાલ એન્ડ કું. કે અને અનિલ બ્રાન્ડ ઓઇલ એન્જીનના ધનાઢય પરિવારના પુત્ર જયદેવભાઇ ઉર્ફે બાબુલીન રસિકલાલ દવે સૌરાષ્ટ્રમાં દાતાર તરીકે ઓળખાય. રાજકોટમાં આવેલું તેમનું વૈભવી નિવાસસ્થાન સાધુ-સંતો કલાકારો માટે આશ્રયસ્થાન. વર્ષ ૨૦૦૦માં ઘાંટવડ અને જૂનાગઢ જાગીર ભારતી આશ્રમના મહંત ઇન્દ્રભારતીજી મહારાજ સાથે તેમનો પરિચય થયો અને પરિચય ગાઢ મૈત્રીમાં પરિણમ્યો. બંને ગુરુભાઇ પણ થયા. બાબુલીનભાઇએ ઇન્દ્રભારતીજીને વર્ષ ૨૦૦૪માં સાસણના દેવળિયામાં આવેલી પોતાની માલિકીની ૨૭ વિઘા જમીન દાનમાં આપી હતી.
સમય જતાં બાબુલીનભાઇનો વિદેશમાં ફેલાયેલો ધંધો મંદો પડ્યો. નાણાં પણ ફસાઇ ગયાં. આર્થિક સ્થિતિ નબળી થવા લાગી હતી. ઇન્દ્રભારતીજીને મિત્રની કથળતી આર્થિક સ્થિતિનો ખ્યાલ આવ્યો. અલબત્ત, પોતાની પરિસ્થિતિનો અણસાર સુદ્ધાં બાબુલીનભાઈએ ગુરુભાઈને આવવા દીધો નહોતો.
સામાન્ય રીતે ઇન્દ્રભારતીજી શ્રાવણ માસના અનુષ્ઠાન ઘાંટવડ આશ્રમ અથવા ભવનાથમાં કરે છે, પરંતુ આ શ્રાવણ માસના અનુષ્ઠાન તેમણે દેવળિયાની દાનમાં આવેલી જમીન પર કર્યાં હતાં. ઇન્દ્રભારતીબાપુએ જમીનને આધ્યાત્મિક ફાર્મહાઉસ બનાવી દેતાં આ જમીન ઉપર ૪૦૦ જેટલા આંબાનું વાવેતર પણ કરાવ્યું છે. આ ભૂમિ પર કાળભૈરવની વિશાળ મૂર્તિ પણ આવેલી છે. આખો શ્રાવણ માસ અનુષ્ઠાન કરી અંતિમ દિનની રાત્રે સંતવાણીનું આયોજન હતું. આ કાર્યક્રમમાં મહંત ઇન્દ્રભારતીજીએ માઇક હાથમાં લીધું અને અચાનક સૌને ચોંકાવી દીધાં. તેમણે જાહેરાત કરી કે આ જગ્યા ઉપર વર્ષ ૨૦૦૭માં અનુષ્ઠાન કર્યાં બાદ બીજી વખત અહીં અનુષ્ઠાન કર્યાં છે. આ પવિત્ર ભૂમિ મારા ગુરુભાઈ અને મિત્ર જયદેવ ઉર્ફે બાબુલીનને પુનઃ સોંપી રહ્યો છું. ભૂમિ પાછી મૂળ માલિક પાસે રહેશે.
ઉલ્લેખનીય છે કે જે તે સમયે આ જમીનનું દાન થયું એ સમયે ભૂમિ લાખોની હતી. આજે તેની કિંમત કરોડોમાં અંકાય છે.
ઇન્દ્રભારતીજીની જાહેરાત પછી ભાવિકોએ કહ્યું કે બાપજીને ધન્ય છે જમીનને સવાઇ કરી દાતાને પરત કરી છે અને આ કાર્ય થકી તેમણે ખરા સંતના દર્શન કરાવ્યા છે.