મહત્ત્વાકાંક્ષી રમકડાં પાર્કની રેસમાં મોરબીમાં આગળ

Wednesday 02nd December 2020 05:10 EST
 
 

રાજકોટ: ચીન સાથે વણસેલા સંબંધો પછી મેક ઇન ઇન્ડિયાનો વિચાર દિન-પ્રતિદિન બળવત્તર બની રહ્યો છે. ગુજરાતના ઉદ્યોગકારો મેક ઇન ઇન્ડિયામાં વધારેને વધારે રસ લઇ રહ્યા છે. આ કારણસર નવી નવી પ્રોડક્ટસ માટે સંશોધનો અને ઉત્પાદનના પ્રયોગો થવા લાગ્યા છે. ચીનથી ૯૦ ટકા જેટલી આયાત થાય છે તે રમકડાં ઉદ્યોગ ગુજરાતના આંગણે વિકસે તે માટે સક્રિય પ્રયાસો શરૂ થયા છે. આ વિચારને મૂર્તિમંત બનાવવા માટે ગુજરાત સરકારે રાજ્યમાં રમકડાંનો ખાસ પાર્ક બની શકે કે કેમ તે અંગે શક્યતાદર્શી અહેવાલ તૈયાર કરવા સૂચના આપી છે. અને આ રેસમાં મોરબી મજબૂત દાવેદાર તરીકે ઉભર્યું છે.
મુખ્ય પ્રધાને વીતેલા સપ્તાહે ગુજરાત ઇન્ડટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (જીઆઇડીસી)ના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. એમાં રાજ્યમાં ક્યાં જિલ્લામાં રમકડાંનો પાર્ક બની શકે તે માટે તપાસ કરીને વિગતવાર અહેવાલ તૈયાર કરવા કહ્યું છે.
ચીનથી આવતા રમકડાં બાળકોના સ્વાસ્થ્યને હાનિકર્તા છે એવું અવારનવાર સામે આવતું રહ્યું છે. વળી અન્ડરઇનવોઇસીંગને લીધે સસ્તાં આવતા રમકડાંએ ઘરેલુ ઉદ્યોગને ખતમ કરી નાંખ્યો છે ત્યારે મોરબીના ક્લોક ઉત્પાદકોએ ફરીથી રમકડાં બનાવવાની દિશામાં ઠોસ કદમ ઉઠાવવાનું નક્કી કર્યું છે. સરકારમાં એ મુદ્દે રજૂઆત પણ થઇ હતી. એ કારણે જ આ દિશામાં સરકારે વિચાર્યું હોવાના અહેવાલ છે. મોરબી રમકડાં પાર્ક માટે હોટસ્પોટ ગણાય છે. અજંતા મેન્યુફેક્ચરીંગના જયસુખ પટેલના જણાવ્યા પ્રમાણે, ‘અમારો દાવો છેકે રમકડાં બનાવવામાં ભારતભરમાં જો કોઇ શહેર પ્રથમ આવી શકે એમ હોય તો તે મોરબી છે. મોરબી અતિ ઝડપથી રમકડાં બનાવી શકે એમ છે. બીજા ક્રમે રાજકોટ એ માટે ક્ષમતા ધરાવે છે. રાજકોટ પછી સૌરાષ્ટ્રમાં જામનગર અને ભાવનગર સંયુક્ત રીતે આ દિશામાં દાવો કરી શકે છે. સરકાર આ ચાર શહેરો પર નજર ઠેરવે તો પાર્ક ચોક્કસપણે વિકસી શકે તેમ છે.’
જયસુખભાઇ મોરબીની તરફેણ કરતા ઉમેરે છે કે, રમકડાં બનાવવામાં થતી ચારેક જેટલી પ્રોસેસ માટેનું ૯૦ ટકા જેટલું માળખું મોરબીમાં તૈયાર છે. શહેરના ૧૬૭ જેટલા ક્લોક ઉત્પાદકો આ દિશામાં આસાનીથી વળી શકે છે. કારણ કે રમકડાંમાં વપરાતી પ્લાસ્ટિક ટેકનોલોજીનું માળખું તૈયાર છે. મોલ્ડ, સ્ટેમ્પીંગ, મેટલ અને સ્ટીકર પણ સહેલાઇથી લગાવી શકાય છે.
એ રીતે નાની મોટર અને ઇલેક્ટ્રીક કમ્પોનન્ટ જેવા કે સાઉન્ડ, સ્પીકર અને એલઇટી તથા રિમોટ પણ બની રહ્યા છે. એલ્યુમિનિયમનું નાનું-મોટું ડાયકાસ્ટીંગ પણ થાય છે એટલે મોરબીની તૈયારી સૌથી વધારે છે એમ કહી શકાય. નિષ્ણાતો કહે છે કે મોરબીમાં રમકડાંનો પાર્ક બનાવવો હોય તો ૧૦ ટકા જેટલું જ નવું રોકાણ કરવું પડે તેમ છે. અન્ય શહેરોમાં ૭૦થી ૮૦ ટકા રોકાણ કરવું પડે તેમ છે.
રાજકોટ શહેરમાં પ્લાસ્ટિક અને કિચનવેર ઉદ્યોગ વિકસેલા છે એ કારણે રમકડાં બનાવવાનું સરળ પડે. તે જ રીતે જામનગરમાં મેટલ પાર્ટસ અને કમ્પોનન્ટ બની રહ્યા છે. ભાવનગર અને ધોરાજીમાં પ્લાસ્ટિકનું કામકાજ સારું છે એટલે ત્યાં શક્યતા વધારે જણાય રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter