વેરાવળઃ મહાશિવરાત્રીએ પ્રથમ આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરના દ્વાર વહેલી સવારે ૪ વાગ્યે ખુલ્યા ત્યારથી જ હર હર મહાદેવના નાદ સાથે કતારબંધ લાઈનમાં શિવ ભક્તોનો સમૂહ જોવા મળતો હતો. મહાશિવરાત્રીના પાવન દિવસે સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી પુણ્યનું ભાથુ બાંધવા શિવ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. સોમનાથ મહાદેવને પ્રાતઃ આરતીમાં વિશેષ પીળા રંગના પુષ્પો પીતાંબરનો શૃંગાર કરવામાં આવેલ હતો. જ્યારે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે સાયં આરતી સમયે સોમનાથ મહાદેવને ખાસ ૫૦૧ કિલો રંગબેરંગી વિવિધ પુષ્પોનો અલૌકિક શણગાર કરવામાં આવ્યો હતો. મહાશિવરાત્રી પર્વે ૨૬ ભાવિકોએ ધ્વજા ચડાવેલ જ્યારે ૧૧ ભાવિકોએ તત્કાલ મહાપુજા નોંધાવી હતી.
કોરોના મહામારીના કારણે ભાવિકો માસ્ક પહેરીને મંદિરે આવતા જોવા મળતા હતા. જ્યારે મંદિરમાં પ્રવેશ માટે જરૂરી પાસ માટેની ઓફલાઈન પાસ મેળવવા માટે કરાયેલ સરળ વ્યવસ્થાથી ભાવિકો વિના અગવડતા શાંતિ પૂર્વક દર્શન કરી ધન્યતા અનુભી રહ્યા હતા. ટ્રસ્ટ, વહીવટી તંત્ર અને પોલીસ દળોએ કરેલ સુસજ્જ વ્યવસ્થાને દૂર દૂરથી આવતા ભાવિકો બિરદાવી આવકારી રહ્યા હતા. દર વર્ષ કરતા આ વર્ષે કોરોના મહામારીના કારણે શિવરાત્રીએ સોમનાથ આવતા ભાવિકોની સંખ્યા અડધી રહી હતી.
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના પત્ની અંજલિબેન રૂપાણીએ સોમનાથ મહાદેવના દર્શન તેમજ પૂજા અર્ચના કરી હતી. જ્યારે પ્રધાન વિભાવરીબેન દવેએ આરતીનો લાભ લીધો હતો. વિભાવરીબહેને સોમનાથ દાદાની પૂજા કરીને સુવર્ણકળશ, ચાંદીનું ત્રીપુંડ અને ચંદ્ર અર્પણ
કર્યા હતા.