જૂનાગઢઃ ભવનાથના જૂના અખાડામાં એક ઇટાલિયન મહિલા બ્રહ્મચારી અન્નપૂર્ણા શિવી ઉતર્યા છે. આ મહિલા છ મહિના ઇટાલીમાં સંસારી તરીકે અને છ મહિના ભારતમાં આવી સાધ્વી બનીને રહે છે. કર્ણાટકના હુબલી પંથકમાં ઋષિમુખ પર્વત પર કિષ્કિન્ધામાં જંગલેશ્વર મહાદેવ આશ્રમ આવેલો છે. અન્નપૂર્ણા શિવી ત્યાં રહે છે. મહિલાએ જણાવ્યું હતું કે મારા ગુરુ ઇટાલિયન બાબાનો એ આશ્રમ છે. માત્ર ૪ વર્ષ પહેલાં મેં તેમની પાસેથી શક્તિયોગ શીખ્યો. વીઝા અને ઇમિગ્રેશનની તકલીફને લીધે હું ૪ વર્ષથી ૬ મહિના ભારત અને ૬ મહિના ઇટાલી રહું છું.
ગત વર્ષે મારા ગુરુજીનો દેહવિલય થયો. પછી શું કરવું એ સૂઝતું નથી. ભાષાની પણ તકલીફ પડે. હિન્દી શીખવું મારા માટે અઘરું છે અને અંગ્રેજી પણ ભાંગ્યું તૂટ્યું જ આવડે છે. આથી જીવનની નવી દિશા માટે હું અહીં ભવનાથના મેળામાં આવી છું. મને હિન્દુ ધર્મ કે ભારતીય સંસ્કૃતિ વિશેની બહુ માહિતી નથી. હું ત્યાં આશ્રમમાં સફાઇ, રસોઇ, જેવા કામો કરું છું. પણ હવે આગળ શું કરવું એની સમજ નથી. ઇટાલિમાં હું વૃદ્ધોની કેરટેકર તરીકેનો વ્યવસાય કરું છું. ભારતની અતિથી દેવો ભવ:ની ખાસિયત મને ખૂબ જ ગમે છે. અહીં કોઇ ભૂખ્યું નથી રહેતું. કોઇને ભોજન કરાવવું એ અહીંની સંસ્કૃતિ છે. ઇટાલિયન મહિલા બ્રહ્મચારી જીવનની દિશા શોધવા ભવનાથ આવ્યા છે.