જૂનાગઢ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યા તેમાં જૂનાગઢની બેઠક પર સતત છ ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટતા ભાજપી મહેન્દ્ર મશરૂની હાર થઈ. આ સમાચારથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ દુ:ખ થયું છે. મશરૂને ફોન કરી તેમણે દુ:ખ વ્યક્ત કર્યું હતું. મશરૂના સમર્થકો કહે છે કે, આ મશરૂની નહીં, પરંતુ સેવાની હાર છે. મશરૂની હારના કારણોનું પણ વિશ્લેષણ થઇ રહ્યું છે. તેમના હરીફ ઉમેદવાર ભીખાભાઈ જોશી એટલા સબળ ઉમેદવાર ન હતા કે મશરૂ હારી જાય. ભીખાભાઇના વ્યક્તિત્વ કરતા આ બેઠક ઉપરના પરિણામમાં લોકો પરિવર્તનને ઝંખતા હતા. વળી તેમને ટિકિટ મળશે કે કેમ? તે છેવટ સુધી નક્કી ન હતું, કારણ કે કોંગ્રેસે જે પહેલી યાદી બહાર પાડી તેમાં આ બેઠક ઉપર પાસના કાર્યકર અમિત ઠુમરનું નામ જાહેર કરતા જ તેનો વિરોધ થયો હતો અને ઉમેદવાર બદલાવીને ભીખાભાઇને મૂક્યા હતા. ભીખાભાઇ ૨૦૧૨ની ચૂંટણીમાં હારી ગયા હતા. એ ચૂંટણીમાં મશરૂ ૧૩, ૭૯૬ મતની લીડથી જીત્યા હતા. જ્યારે આ વખતે ભીખાભાઇ ૬૦૮૪ મતની લીડથી જીત્યા છે. જિલ્લાની પાંચેય બેઠકો ઉપર આ લીડ સૌથી ઓછી છે.
છ-છ વાર મશરૂને જૂનાગઢની બેઠકના ઉમેદવારોએ તક આપી અને તેમની પ્રામાણિકતા, લોકચાહના, ઉઘાડપગા લોકસેવક તરીકેની છાપને લોકોએ મત આપ્યા હતા, પણ તેમની સામે એક ફરિયાદ સતત રહી કે, મશરૂ જૂનાગઢના પ્રશ્નો ઉકેલી શક્યા નહીં. આ મુદ્દાને તેમના વિરુદ્ધ તેમના પરાજ્યમાં મોટો ભાગ ભજવ્યો અને મશરૂ પરાજિત થયા.