માંગરોળઃ માછીમારીના વ્યવસાયમાં હાલમાં ઘેરી મંદીને લીધે બોટ માલિકોને ફિશિંગ બંધ રાખવાની ફરજ પડી છે. જેના પરિણામે હાલમાં માંગરોળ બંદેર સંખ્યાબંધ બોટોને કાંઠે લાંગરી દેવામાં આવી છે. ૧૬મી જાન્યુઆરીએ રાત્રે ૮થી ૧૧ વાગ્યા દરમિયાન નવી ગોદી વિસ્તારમાં બોટોમાં અચાનક આગ લાગતાં માછીમારો-બોટમાલિકોમાં ભય ફેલાયો હતો. નાગરપાલિકાના મિની ફાઈટર અને સ્થાનિક લોકોએ પાણીના ટેન્કર મારફત આગ બુજાવવા પ્રયત્નો કર્યાં હતાં, પરંતુ ગણતરીની મિનિટોમાં ૪ જેટલી બોટો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ચૂકી હતી. અન્ય બે બોટોમાં પણ પાછળનો ભાગ સળગી ગયો હતો. આગને કાબૂમાં લેવા તથા આજુબાજુની બોટોમાં આગ પ્રસરતી અટકાવવા વેરાવળ, કેશોદ તથા ચોરવાડથી ફાયર ફાઈટરને બોલાવવામાં આવ્યા હતા. નજીકમાં બચી ગયેલી બોટો હિટાચી મશીન દ્વારા ખસેડવામાં આવી હતી.