જૂનાગઢ, વેરાવળઃ ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બીજી ઓક્ટોબરે રૂ. ૧૧૭૫ કરોડના ફિશરીઝ હાર્બરનો શિલાન્યાસ કર્યો હતો અને એ પછી ૪૫ ગામોને પાણી પૂરું પાડવાની મહી-નર્મદા યોજનાનું લોકાર્પણ કરી સભાને સંબોધી હતી. ગાંધી જયંતીના અવસરે સોમવારે રાષ્ટ્રપતિએ બાપુના જન્મ સ્થળ કીર્તિમંદિરમાં ગાંધીજીને પુષ્પાજંલિ અર્પણ કરી હતી. તેઓએ ગ્રામ્ય ગુજરાતને જાહેર શૌચથી મુક્ત જાહેર કર્યું હતું. સોમનાથ પહોંચેલા રાષ્ટ્રપતિએ સહપરિવાર મહાદેવના દર્શન કરીને પૂજા અર્ચના કરી અભિષેક કર્યો હતો. રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, મોદી સરકારમાં રાષ્ટ્રપતિ પદે કામ કરવાની તક મળી તેનો આનંદ છે અને ગુજરાતમાં આવવાનો ઉત્સાહ દરેક વખતે અનેરો હોય છે, કારણ કે યુપી મારું પહેલું અને ગુજરાત મારું બીજું ઘર છે.
રાષ્ટ્રપતિ ગુજરાતના પ્રવાસે હોવાથી અગાઉથી જ તંત્ર દ્વારા તેમનાં કાર્યક્રમના સ્થળે જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.