સલાયાઃ ઓમાન-યમનમાં અરબી સમુદ્રમાં સર્જાયેલું ભયાવક ‘મેકુનુ’ ચક્રાવાતી તોફાન ૨૫મી મેએ હળવું પડ્યું હતું, પણ એ પહેલાં વાવાઝોડાએ ભયંકર નુક્સાન સર્જ્યું હતું. સૌરાષ્ટ્ર-કચ્છનાં પાંચ માલવાહક વહાણ સાથે ૪૦ જેટલા ખલાસીઓનો સંપર્ક થઈ શક્યો નહોતો ત્યાં સર્ચ રેસ્ક્યુ દરમિયાન બે ખલાસીની લાશ મળી આવી હતી. જોકે, કચ્છના ૧૪ ખલાસીઓને પણ બચાવી લેવાયા હતા. આ સાથે ઓમાનના સલાહા બંદરે લાંગરેલા સલાયાના વધુ બે માલવાહક વહાણ ડૂબી ગયા હતા જ્યારે નવ વહાણને મોટું નુકસાન થયાનું જાણવા મળ્યું હતું.
ઓમાનના અરેબિયન સમુદ્રમાં ૧૮૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ઝંઝાવાત સર્જનાર મેકુનુ વાવાઝોડામાં ફસાઈને સલાયાનું આતા-એ-ખ્વાઝા વહાણ ડૂબી ગયું હતું. જેમાં નવ ખલાસીઓ હતા. જે પૈકી બચાવી લેવાયેલા પાંચને સલામત રીતે દરિયાકિનારે લવાયા હતા. જ્યારે ડૂબી ગયેલા ચાર ખલાસી પૈકી એક હાસમ રજાક સંધાનો મૃતદેહ મળી આવ્યો હતો. અન્ય એક ભારતીય માછીમારનો પણ મૃતદેહ મળ્યો છે પણ ઓળખ થઈ શકી નથી.
વહાણવટા વર્તુળના જણાવ્યા પ્રમાણે યમનના સિકોતર (સોકોમા) બંદરીય સમુદ્રમાં સલાયાનું શફીના- અલ-ખીજર વહાણ તોફાનમાં તણાઈને નુકસાન પામેલી હાલતમાં ટેકરી ઉપર ચડી ગયું હતું, પરંતુ તેના ૧૨ ખલાસીઓનો સંપર્ક થઈ શક્યો નહોતો. યમનનાં મત્સ્ય પ્રધાન કહદ કફીને પણ જાહેર કર્યું છે કે બે ભારતીયની લાશ મળી હતી અને હજુ ૧૨ લાપતા હતા. મસ્કતસ્થિત ભારતીય દૂતાવાસનું પણ કહેવું છે કે મેકુનુ ચક્રાવાત હળવું પડતાં મુંબઈથી ભારતીય નૌસેના હેલિકોપ્ટર સાથેના બે જહાજ સર્ચ-રેસ્ક્યુ ઓપરેશન માટે પહોંચી ગયા હતા.
બીજી તરફ સિકોતેર બંદરેથી વાવાઝોડું ફંટાઈને ઓમાનનાં સલાહા બંદરે પહોંચતાં ત્યાં બદર ઉપર સલાયાના ૧૧ વહાણો લોડિંગ માટે લાંગરેલા હતાં, તે પૈકી શાહે-અલ-શાબીર નામનું રજાક મામદ સંધારનું ૪૫૦ ટન કેપેસિટીનું વહાણ વિકરાળ મોજાની થપાટોથી ડૂબી ગયું હતું. સદનસીબે ૧૬ ખલાસીનો આબાદ બચાવ થઈ ગયો હતો. બીજા વહાણ શફીના-અલ-યુસબે પણ જળસમાધિ લીધી હતી. જેના પણ ૧૬ ખલાસીનો આબાદ બચાવ થયો હતો. બાકીના ૯ વહાણો બંદર ઉપર લાંગરેલાં હતાં તેમાં સુલતાને મૈયુદ્દીન, ગોસે મૈયુદીન, અલ મકદુમ, ફૈઝાને હાસમી, શાહે અલ હાસમી, અલ માસુમ, મદીના જલ કુકાર, અલ જુલેરી, માશા અલ્લાહ આ તમામ વહાણોને વ્યાપક નુકસાની થઈ છે. તેના તમામ ખલાસીઓ સલામત છે.