ગાંધીનગરઃ સોમનાથમાં ઈન્ટિગ્રેટેડ કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્રોજેક્ટ હેઠળ રૂ. ૩૦૦ કરોડના ખર્ચે ઓશનેરિયમ બનાવવા રાજ્ય સરકારે ૩૧મી ડિસેમ્બર ૨૦૧૮ની મુદ્દત વધારવા કેન્દ્ર સરકારને દરખાસ્ત મોકલી છે. દ્વારકા પાસેના શિવરાજપુર અને કચ્છમાં અહેમદનગર માંડવી કાંઠે બ્લુ ફ્લેગ બીચ ડેવલપ કરવા ગુજરાત ઈકોલોજીકલ કમિશને લંડનની સંસ્થાઓ સાથે કરારો કર્યાં છે. મહાત્મા મંદિરમાં મુખ્ય સચિવ ડો. જે. એન. સિંઘ સહિતના અધિકારીઓ, દરિયાઈ જીવસૃષ્ટિના સંશોધકોની હાજરીમાં જીઈસીએ ગુજરાતના કોસ્ટલ ઝોનની સુરક્ષા માટે ઓઈલ સ્પિલ મિટીગેશન એક્શન પ્લાન જાહેર કર્યો હતો. આ પ્લાનમાં જહાજમાંથી ઢોળતા ઓઈલથી ઉભી થતી મુશ્કેલીના નિવારણ માટે આયોજન અને પ્રવાસીઓને આકર્ષવા ઈન્ટરનેશનલ ધોરણોના પાલન સાથે કેન્દ્ર સરકાર દ્વારા બંને કિનારે બ્લુ ફ્લેગનો બીચ ડેવલમેન્ટનો અભિગમ જાહેર થયો હતો. સોમનાથમાં રૂ. ૩૦૦ કરોડના ખર્ચે આકાર લેનારા ઓશનેરિયમ માટે સોમનાથ ટ્રસ્ટ પાસે જમીન મેળવ્યાનું પેપરવર્ક પૂરું કર્યાનું વન - પર્યાવરણ વિભાગના અરવિંદ અગ્રવાલે કહ્યું છે.
ગ્લોબલ ટેન્ડર બહાર પાડયા ત્યારે કોઈ પાર્ટી આગળ આવી નથી. કારણ કે વિશ્વમાં માત્ર ૯ જ ઓશનેરિયમ છે, અને તેની ટેકનિકલ જાણકારી પણ ખૂબ ઓછા લોકો પાસે છે. પીપીપી મોડથી આકાર લેનારા આ પ્રોજેક્ટનું કામ પૂર્ણ કરવા ભારત સરકારે ૩૧મી ડિસેમ્બર ૨૦૧૮ની મુદ્દતને વધારવા ગુજરાતે માગ કરી છે. દરિયાના પેટાળમાં તૈયાર થનારી ટનલ બેઝડ ઓશનેરિયમમાં જઈને પ્રવાસીઓ દરિયાઈ વનસ્પતિ અને દરિયાઈ જીવોનું દર્શન કરી શકશે. જેમાં સી લાઈન શો પણ કરવામાં આવશે.