જૂનાગઢઃ વંથલીમાં ૧૯મીએ માણાવદર વિધાનસભા પેટા ચૂંટણીના એનસીપીના ઉમેદવાર રેશ્મા પટેલ પ્રચાર કરતાં હતાં ત્યારે ભાજપના કાર્યકરે ચૂંટણી પ્રચાર ન કરવા કહી ગાળાગાળી કરી ગળું દબાવવા પ્રયાસ કરી ઝપાઝપી કરી હતી. આ અંગે રેશ્માએ પોલીસમાં ફરિયાદ કરી હતી. તો સામાપક્ષે ભાજપના કાર્યકરે પણ રેશ્મા પટેલ સામે થપ્પડ મારી ધમકી આપ્યાની અરજી કરતાં વંથલી પોલીસે બંને અરજીના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
માણાવદર વિધાનસભાના પેટાચૂંટણીના એનસીપીના અને પોરબંદર લોકસભા બેઠકના અપક્ષ ઉમેદવાર રેશ્મા પટેલ વંથલી એસડીએમ કચેરી નજીક આવેલા મંદિર પાસે પોતાના કાર્યકરો સાથે પ્રચાર કરતા હતા ત્યારે ભાજપના કાર્યકર હિતેશ વડાલિયાએ તથા અન્ય ત્રણે આવી આ વિસ્તારમાં પ્રચાર ન કરવો તેમ કહી ગાળાગાળી કરી હતી અને બાદમાં ઉશ્કેરાઈ જઈ રેશ્મા પટેલનું ગળું દબાવવા પ્રયાસ કર્યો હતો. તેમને ગળાના ભાગે સામાન્ય ઈજા થતાં સારવાર માટે દાખલ કરાયા હતા. રેશ્મા પટેલે ભાજપના કાર્યકરો ગુંડાગીરી કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો.