બિલખાઃ છઠ્ઠી સપ્ટેમ્બરે બપોરના બે વાગ્યા આસપાસ માલધારી પરિવારની એક મહિલા પોતાની પુત્રી સુમી બિજલભાઈ ગુજરિયા (ઉ. વ. ૧૩) સાથે બિલખા - બંધાળાના રાવત સાગર તળાવમાં કપડાં ધોવા માટે આવી હતી. તે સમયે એકાએક આવી ચડેલા મગરે પૂંછડી મારીને સુમીને તળાવમાં પછાડી દીધી હતી.
જોતજોતામાં માતાની નજર સામે જ વિશાળકાય મગર સુમીને પોતાના જડબામાં પકડીને ઊંડા તળાવમાં ગરકાવ થઈ ગયો હતો. માતાએ શોરબકોર કરતાં આસપાસના ૧૫ જેટલા યુવાનો પણ તળાવમાં પડ્યા હતાં, પરંતુ મગરનો પત્તો લાગ્યો નહોતો. બિલખા - બંધાળાના સરપંચે જૂનાગઢ ફાયરબ્રિગેડની ટીમને જાણ કરતા તાત્કાલિક રેસ્ક્યુ બોટ દ્વારા બાળકીની શોધખોળ શરૂ કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે મુશળધાર વરસાદને પગલે રાવત સાગર તળાવમાં ૭-૮ મગરો આવી ચઢ્યા છે. તળાવની બાજુમાં જંગલખાતાની ચેકપોસ્ટ પણ છે.