માધવપુરઃ નયનરમ્ય દરિયાકાંઠા ઘેડમાં માધવપુરનો પ્રખ્યાત મેળો ૧૪મીથી ૧૮મી એપ્રિલ સુધી યોજાયો હતો. મેળાની સાથે ભગવાન કૃષ્ણ અને રૂકમણિજીનાં લગ્ન પણ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા. ગુજરાત પ્રવાસન નિગમ અને યુવક સેવા - સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ મહોત્સવમાં ગુજરાતના રાજ્યપાલ ઓ. પી. કોહલી પણ ઉપસ્થિત રહ્યા હતા.
રંગે ચંગે લગ્નવિધિ
ભગવાન શ્રીકૃષ્ણનું ફુલેકું રંગે ચંગે નીકળ્યા પછી કાછા ગામેથી ઘોડા, ઊંટની સવારીએ ઢોલ-નગારા અને ડીજેની રમઝટ સાથે વાજતે ગાજતે માધવરાય મંદિરે મામેરું પુરાયું અને ધજા ચડાવાઈ હતી. ૧૭મી એપ્રિલે બપોરે માધવરાયજીનું સામૈયું લઈને મધુવનમાંથી રૂકમણિજીનાં પિયરિયાઓ માધવરાય મંદિરે આવ્યાં હતાં. એ પછી ભગવાનને તિલક કરીને ફુલહાર પહેરાવીને પસ ભરાવીને રથમાં બિરાજમાન કર્યાં હતાં. સાંજે ૪.૦૦ વાગ્યે માધવરાયનો વરઘોડો માધવરાય મંદિરેથી નીકળીને સાંજે મંડપમાં પહોંચ્યો હતો.
રથ પવનવેગે દોડ્યો
સાંજે ભગવાનો રથ ૧ થી ૧.૫ કિમી સુધી પવનવેગે દોડાવાયો હતો. પ્રાચીન કથા પ્રમાણે ભગવાને રૂકમણિજીનું અપહરણ કર્યું ત્યારે શિશુપાલના આક્રમણના ભયે ભગવાને રથ દોડાવ્યો હતો. આ કથા પ્રમાણે ભગવાનનો રથ આ લગ્નપ્રસંગે દોડાવાય છે.
ગાંધર્વ લગ્ન
રાત્રે ભગવાન અને રૂકમણિજીનાં ગાંધર્વ લગ્નની વિધિ પૂરી થઈ હતી. લગ્ન પૂર્ણ થયે ભાવિકોએ પ્રસાદરૂપી ભોજન લીધું હતું. ૧૮મીએ સવારે ૭થી ૧૦ વાગ્યે ભગવાનના યુગલ સ્વરૂપને તિલક અને વધામણું કરાયું હતું અને એ પછી યુગલ નિજમંદિરમાં પધાર્યું હતું.
ભરપુર મનોરંજન
આ મેળા અને ભગવાનના લગ્ન પ્રસંગે પ્રવાસીઓ અને સ્થાનિક લોકોના મનોરંજન માટે મલ્ટી મીડિયા શો, ખાણી-પીણી બજાર ઊભા કરાયા હતા. મેળામાં ભગવાન કૃષ્ણ તથા સાંસ્કૃતિક કાર્યક્રમો વચ્ચે રૂકમણિજીનાં વિવાહને લગતું લોકનાટક પણ ભજવાયું હતું.