માધવપુર (ઘેડ): અરુણાચલ પ્રદેશથી ગુજરાતના સૌરાષ્ટ્ર સુધી ભગવાન શ્રીકૃષ્ણ અને રૂકમણિજીની ચિરંતન યાત્રાનો ઉત્સવ એટલે પોરબંદર તાલુકાના માધવપુર ઘેડ ગામે વર્ષોથી ઉજવાતો પરંપરાગત લોકમેળો. આ મેળાનો રામનવમીથી પાંચ દિવસ માટે પ્રારંભ માધવપુરમાં પ્રારંભ થયો છે. આ પાંચ દિવસીય મેળો માણવા હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી છે. આ મેળામાં રોજેરોજ યોજાયેલા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમમાં દેશના વિવિધ રાજ્યોના કલાકારોએ રંગ જમાવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે ભારત સરકારના સાંસ્કૃતિક વિભાગ તથા રાજ્યસરકાર દ્વારા માધવપુરના મેળાનું આયોજન કરાયું છે માધવપુર મેળાનો આરંભ ભારત સરકારના સાંસ્કૃતિક વિભાગના અગ્ર સચિવ સુજાતા પ્રસાદે દીપપ્રાગ્ટ્ય કરીને કરાવ્યો હતો. તેમની સાથે જિલ્લા કલેકટર અશોક કાલરીયા, જિલ્લા વિકાસ અધિકારી એસ. ડી. ધાનાણી, પ્રાંત અધિકારી કે. વી. બાટી સહિતના મહાનુભાવો જોડાયા હતા.
આ પ્રસંગે મારવાડના મહેશ રામની ટીમ દ્વારા ભજન, મણિપુરના કલાકારો દ્વારા વસંતરાસ, ભારતના ખ્યાતનામ સોનલ માનસિંગ દ્વારા નાટ્યકથા તથા દેશના ઉત્તર પૂર્વીય રાજ્યના કલાકારો દ્વારા બીહુ નૃત્યુ પ્રસ્તૃત કરવામાં આવ્યું હતું. આ સાંસ્કૃતિક કાર્યક્રમોને જોવાનો લહાવો માધવપુરના ગ્રામજનો તથા આજુબાજુના શહેરોમાંથી આવેલા નગરજનો સહિત મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો.
વડા પ્રધાન સહિતના પ્રધાનોની ઉપસ્થિતિ
માધવપુર ઘેડના મેળામાં ૨૭મીએ કેન્દ્રીય રક્ષા પ્રધાન નિર્મલા સીતારમન, ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ ડો. બી. ડી. મિશ્રા, અરુણાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન પેમા ખાંડુ, કેન્દ્રીય સાંસ્કૃતિક રાજ્ય પ્રધાન ડો. મહેશ શર્મા, કેન્દ્રિય ગૃહ રાજ્ય પ્રધાન કિરન રિજીજુ, ઉપરાંત ગુજરાત રાજ્યના પ્રવાસન પ્રધાન ગણપતસિંહ વસાવા, સંસ્કૃતિ રાજ્ય પ્રધાન ઈશ્વરસિંહ પટેલ, લોકસભા સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયા તેમજ પોરબંદરના ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા પણ ઉપસ્થિત હતા. મેળાના અંતિમ દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહેશે તેવા અહેવાલ છે.
સાંસ્કૃતિક કાર્યક્રમો
૨૭ માર્ચઃ સાંજે ઉત્તરપૂર્વનું અંકિયા નાટ્યશૈલીમાં ભજવાતું પ્રખ્યાત લોકનાટક ‘રૂકમણિહરણ’ • બજાણીયા સાથે ભજવાતું મણિપુરનું પુંગ ચોલમ, કળા દ્વારા કુષ્ણરૂપેણ સંગીત નૃત્યનાટિકા • ‘માધવ સે માધવપુર’ સાંસ્કૃતિક મલ્ટીમીડિયા કાર્યક્રમ
૨૮ માર્ચઃ બપોરે માધવરાય મંદિરથી શોભાયાત્રા નીકળશે અને સાંજના ૭.૩૦ કલાકે રૂકમણિ મંદિર પહોંચશે • દાંડીથી વગાડવાના પંરપરાગત વાદ્યો જેવા કે ઢોલ, નગારા તેમજ મંજીરા અને ખંજરીના તાલ તથા સુષિર વાદ્યો જેવા વાંસળી, શહેનાઈ, બિન, પુંગી અને તપીના તાલ સાથે લગ્નરથ પ્રસ્થાન કરશે • ડોલી, ભાટ, ભાંડ અને નાટ લગ્નરથની આસપાસ નાચશે-ગાશે અને લગ્ન જેવો માહોલ રચશે • દિંબાગ ખીણપ્રદેશના સાધુ અને સાધ્વીઓ ઇંદુમિષ્મી ધાર્મિક વિધિ અનુસાર નૃત્ય કરશે • રૂકમણિજીને તેના ભાવિક ગૃહે મોકલતી વખતે અરુણાચલના નિર્યોગા લોકગીત ગાવામાં આવશે