ગાંધીધામ/ભચાઉઃ ભચાઉ તાલુકાના શિકરા ગામમાં રહેતો નાનજી સવજી અનાવાડિયાનો પરિવાર ટ્રેક્ટર ટ્રોલીમાં રવિવારે વીજપાસર ગામે ભાણેજના લગ્ન પ્રસંગે મામેરું લઇને જતો હતો. તે સમયે જ ગાંધીધામના ભોગીલાલ વસ્તાના પુત્ર વિરલની જાન ખાનગી બસમાં કુંભારડી જઈ રહી હતી. કુંભરડીના હરજી સતવારાની પુત્રી પાયલ સાથે વિરલના લગ્ન હતા. ભચાઉ-ભુજ માર્ગ પર ટ્રેક્ટર ટ્રોલી સાથે વસ્તા પરિવારની જાનની બસ ધડાકાભેર અથડાઈ હતી. ટ્રેકટર ટ્રોલી ડિવાઇડર ઉપર ફંગોળાઇ ગઈ હતી અને ઈજાગ્રસ્તોની ચીસાચીસથી આસપાસનાં લોકો મદદે દોડી આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં જ તરત જ પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. ૧૦૮ એમ્બ્યુલન્સને પણ તુરંત જ બોલાવાઈ હતી, પણ ટ્રેક્ટર ટ્રોલીમાં બેઠેલી સાત મહિલા અને એક બાળક સહિત દસ જણાના મોત ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતાં અને ૭૫ વર્ષના વૃદ્ધનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. ટ્રેક્ટર સાથે અથડાયા પછી લકઝરી આગળ નીકળી ગઇ હતી, પણ બસના દરવાજામાંથી એક માણસ નીચે ફંગોળાયો હતો. જેને પણ સારવાર માટે દવાખાને ખસેડાયો હતો.
કરમની કઠણાઈ એ હતી કે જે ટ્રેક્ટર ટ્રોલીમાં ગૂંજતો પરિવાર મામેરું લઈને નીકળ્યો હતો તે આ જ ટ્રોલીમાં નિર્જીવ લાશ સ્વરૂપે પહોંચ્યો હતો.
સમૂહ લગ્નો સાદગીથી
વાગડના પટેલ વસ્તી ધરાવતા ૭૨ ગામોમાં આ દુર્ઘટનાથી માતમ છવાયો હતો. અખાત્રીજના લગ્નના કારણે આ તમામ ગામોમાં ઉત્સાહ હતો. મુંબઈથી દર વર્ષની જેમ મોટી સંખ્યામાં લોકો પ્રસંગે વતન આવ્યા હતા. પરંતુ આ ઘટનાથી કચ્છમાં સમૂહલગ્નો સાદગીથી પાર પાડવાનો નિર્ણય લેવાયો હતો.
અકસ્માતમાં મૃતકોનાં નામ
૧. કંકુબહેન ભીમાભાઈ અનાવડિયા
ર. પમીબહેન નરસિંહભાઈ અનાવડિયા
૩. જિજ્ઞાબહેન ઈશ્વરભાઈ ભુટક
૪. દયાબહેન મુળજીભાઈ અનાવડિયા
પ. માનાબહેન રતાભાઈ અનાવડિયા
૬. નિશા પેથાભાઈ અનાવડિયા
૭. રમાબહેન મહાદેવભાઈ અનાવડિયા
૮. કિશોર મૂળજીભાઈ અનાવડિયા
૯. વિશાલ રમેશભાઈ અનાવડિયા
૧૦. નાનજીભાઈ હીરાભાઈ અનાવડિયા