ઉનાઃ શહેરમાં માર્કેટિંગ યાર્ડનાં સંકુલમાં ૩૧મી ઓગસ્ટે ગીર સોમનાથ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સામાજિક સમરસતા સંમેલન યોજાયું હતું. જેમાં સંમેલનનાં પ્રારંભે જ દલિત સમાજના આગેવાનો પોતાના મુદ્દાઓની ભાજપનાં નેતાઓ સમક્ષ રજૂઆત કરવા ગયા ત્યારે તેઓએ તેમને સાંભળવાના બદલે પોલીસને બોલાવતા રજૂઆત કરનારા આગેવાનોમાં રોષ ફેલાયો હતો. તેઓએ ભાજપ વિરોધી સૂત્રોચ્ચારો કરતાં ૨૦ આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી. અલબત્ત કાર્યક્રમ પૂરો થયા બાદ તમામ આગેવાનોને છોડી મૂકવામાં આવ્યા હતાં.
આ સંમેલનમાં અમદાવાદના માજી ધારાસભ્યો અને ભાજપના આગેવાન ગીરીશભાઈ પરમારે જણાવ્યું હતું કે, યુપીમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે બસપાનાં સુપ્રીમો માયાવતી ઉનાના મોટા સમઢીયાળા ગામનાં દલિત અત્યાચારનો મુદ્દો ગજવી સસ્તી લોકપ્રિયતા મેળવવા પ્રયત્નો કરી રહ્યાં છે. આ પ્રકારની ટિપ્પણી સામે સ્થાનિક દલિત આગેવાનો ઉશ્કેરાયા હતાં. નારાજ થઈ તેઓએ વિરોધ વ્યક્ત કર્યો હતો. ચાલુ સંમેલનમાંથી ઉભા થઈ તેઓ સભાસ્થળ છોડી જતાં સંમેલનને ટુંકાવવું પડયું હતું.